વિકાસની દોડમાં આગળ વધતું ભુજ આજે પણ સિટી બસ સેવા માટે રાહ જુએ છે
૫૯ કિ.મી. વિસ્તારમાં વિસ્તરેલા શહેરમાં જાહેર પરિવહનના અભાવે સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ : ઈંધણ અછત, વધતા ટ્રાફિક અને પ્રદૂષણ વચ્ચે ભુજ ચેમ્બર દ્વારા સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની માંગ
ભુજ- કચ્છ ઉદય : કચ્છનું મુખ્ય શહેર ગણાતું ભુજ છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. શહેરનો વિસ્તાર સતત વધી રહ્યો છે અને નવી રહેણાંક સોસાયટીઓ, વેપારિક સંકુલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સરકારી કચેરીઓ તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓના વધારા સાથે ભુજ આજે આધુનિક શહેર તરીકે ઉભરી રહ્યું છે. અંદાજિત ૫૯ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા શહેરમાં રોજિંદી અવરજવરનો વ્યાપ પણ અનેકગણો વધી ગયો છે. છતાં આજ સુધી શહેરમાં સુવ્યવસ્થિત જાહેર પરિવહન સેવા ઉપલબ્ધ ન હોવાને કારણે સામાન્ય નાગરિકોને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા ભુજ નગરપાલિકાના મેયર સમક્ષ સિટી બસ સેવા ફરી શરૂ કરવાની માંગ સાથે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે.ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરે રજૂઆતમાં જણાવ્યું હતું કે, શહેરની વધતી વસતિ અને વિસ્તરણને ધ્યાનમાં લેતા હવે જાહેર પરિવહન સેવા વૈભવી સુવિધા નહીં પરંતુ જીવન જરૂરી વ્યવસ્થા બની ગઈ છે. મિરજાપર રોડ, માધાપર વિસ્તાર, ભુજોડી તરફના વિસ્તારો, મુંદરા રોડ, એરપોર્ટ રોડ, નવી સોસાયટીઓ, હૉસ્પિટલ ઝોન તેમજ શિક્ષણ સંકુલોમાં રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. છતાં સામાન્ય માણસ માટે સસ્તી અને સુલભ મુસાફરીની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ લોકો પાસે ખાનગી વાહન, ઓટો-રિક્શા અથવા મોંઘા ભાડાના વાહનો સિવાય કોઈ વિકલ્પ નથી. રોજિંદા નોકરી-ધંધે જતા કર્મચારીઓ માટે મુસાફરી ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ માટે તો પરિસ્થિતિ વધુ કઠિન બની રહી છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ શહેરના અંતરિયાળ વિસ્તારોમાંથી શાળા અને કોલેજ સુધી પહોંચવા માટે ભારે ખર્ચ કરે છે.ભુજ ચેમ્બરના સેક્રેટરી જગદીશભાઈ ઝવેરીએ જણાવ્યું હતું કે, શહેરની આ મહત્વપૂર્ણ જરૂરિયાતને પહોંચી વળવા માટે ભુજ ચેમ્બર દ્વારા નગરપાલિકાને સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોને આવરી લેતા યોગ્ય રૂટ, નિયમિત સમયપત્રક અને આધુનિક વ્યવસ્થાપન સાથે સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો હજારો નાગરિકોને સીધો લાભ મળી શકે છે. શહેરના જાગૃત નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનોમાં હવે એક જ અવાજ ઉઠી રહ્યો છે કે ભુજના વિકાસને સાચા અર્થમાં ગતિ આપવી હોય તો આધુનિક અને સુવ્યવસ્થિત જાહેર પરિવહન વ્યવસ્થા તાત્કાલિક શરૂ કરવી અનિવાર્ય બની ગઈ છે. સિટી બસ સેવા હવે માત્ર એક સુવિધા નહીં પરંતુ ભુજના ભવિષ્ય માટેની અત્યંત જરૂરી જરૂરિયાત બની ગઈ હોવાનું લોકો માની રહ્યા છે.
-----------

Comments