ભુજ નગરપાલિકાના વોર્ડ નં.૪માં નાગરિકો-નગરસેવકોની સંયુક્ત બેઠક યોજાઈ
બીનાબેન ભાનુશાલીની સર્વાનુમતે અધ્યક્ષ તરીકે વરણી : નાગરિકોએ ‘વોર્ડ ડેવલપમેન્ટ પ્લાન’ સુપરત કર્યો
ભુજ - કચ્છઉદય : શહેરના વોર્ડ નંબર ૪માં નવનિયુક્ત નગરસેવકો તથા જાગૃત નાગરિકોની એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં વોર્ડના સર્વાંગી વિકાસ અને નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં ઉપસ્થિત નાગરિકો અને વોર્ડ કમિટીના સભ્યો દ્વારા નવનિયુક્ત નગરસેવકો બીનાબેન ભાનુશાલી, ડોલીબેન શાહ, હરેશ મહેશ્વરીનું સાલ ઓઢાડીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સર્વાનુમતે બીનાબેન ભાનુશાલીની વોર્ડ સમિતિના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે નાગરિકો દ્વારા પોતાના વિસ્તારની મુખ્ય સમસ્યાઓ જેવી કે પાણી, ગટર, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ નાગરિકો દ્વારા સ્વ-પ્રયાસથી તૈયાર કરવામાં આવેલ ‘વોર્ડ ડેવલપમેન્ટ પ્લાન’ની બુલેટ પોઇન્ટ સાથેની લેખિત કોપી નગરસેવકોને સુપરત કરવામાં આવી હતી અને વધુ વિકાસલક્ષી કાર્યો કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. નગરસેવકોએ નાગરિકોની લાગણીને માન આપીને ખાતરી આપી હતી કે, વોર્ડ કમિટીની દર ત્રણ માસે મળતી નિયમિત બેઠકમાં તેઓ અચૂક હાજર રહેશે. દરેક વિસ્તારની સમસ્યાઓ ધ્યાનથી સાંભળશે અને જાતે પણ વિસ્તારોની મુલાકાત લઈને વધુમાં વધુ લોકોપયોગી કામો કરાવવા માટે કટિબદ્ધ રહેશે. બેઠકમાં વોર્ડ સહાયક દ્વારા છેલ્લા ૩ માસની કામગીરીનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ૧૨ વિધવા બહેનો, ૬ દિવ્યાંગ વ્યક્તિઓ અને અન્ય વૃદ્ધ સહાય જેવી સરકારી યોજનાઓના લાભ લાભાર્થીઓને અપાવવામાં સફળતા મળી હોવાનું જણાવાયું હતું.
આ બેઠકમાં સેતુ અભિયાન સંસ્થાના ડાયરેક્ટર મનીષ આચાર્ય, અજીમ પ્રેમજી ફાઉન્ડેશનના સૂરજોદયજી, વોર્ડ કમિટીના તમામ પ્રતિનિધિઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન અર્બન સેતુ સંસ્થાના વિશ્રામ વાઘેલા દ્વારા ૭૪મા બંધારણીય સુધારા અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યમાં નાગરિકોની સક્રિય સહભાગીતાના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને નગરસેવકો તથા નાગરિકોને તેમની ભૂમિકા અંગે માહિતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વોર્ડ સમિતિના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું
------

Comments