નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ બનવા ભાજપ અને કોંગ્રેસે દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું
કોઈ સભ્યો ક્રોસ મતદાન ન કરે તે માટે અત્યારથી નજર રાખવાનું શરૂ : ભાજપે ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામી પર કળશ ઢોળ્યો : કોંગ્રેસમાંથી કાજલબેન ગઢવીએ ભર્યું ફોર્મ : તા.પં.માં ભાજપ પાસે ૧૧ તો કોંગ્રેસ પાસે ૭ ચૂંટાયેલા સદસ્યો છે
નખત્રાણા - કચ્છઉદય : અબડાસા મતવિસ્તાર હેઠળ આવતી અને ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વની એવી નખત્રાણા તાલુકા પંચાયતમાં વિજય પતાકા લહેરાવ્યા બાદ ભાજપ પક્ષ દ્વારા નવા સુકાનીઓની પસંદગી પ્રક્રિયા આજે આખરે પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કે, કોંગ્રેસ દ્વારા પણ દાવેદારી નોંધવાઈ છે. આવતીકાલે ક્રોસ મતદાન ન થાય તે માટે અત્યારથી ઉમેદવારો પર નજર રાખવાનું શરૂ કરી દેવાયું છે.
ભાજપ દ્વારા નખત્રાણા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે બક્ષીપંચ અનામત મહિલા સભ્ય કોટડા રોહા બેઠકના ભારતીબેન નીતિનગિરિ ગોસ્વામી અને ઉપપ્રમુખ પદ માટે તલ બેઠકના જ્યોતિબા રણજીતસિંહ સોઢાના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. આ સાથે જ પંચાયતના વિકાસ કાર્યોની કરોડરજ્જુ સમાન કારોબારી સમિતિના ચેરમેન તરીકે બેચરલાલ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે જેસંગભાઈ આહિર અને પક્ષની શિસ્ત જાળવવા માટે દંડક તરીકે જશોદાબેન ગોવિંદના નામની જાહેરાત કરાતાં નવા બોર્ડનું માળખું સ્પષ્ટ થઈ ગયું છે. આજે પક્ષ સ્તરે નામો નક્કી થઈ ગયા બાદ તમામ આગેવાનો, સમર્થકો અને ચૂંટાયેલા સદસ્યો દ્વારા વાજતે-ગાજતે નખત્રાણા તાલુકા પંચાયત ખાતે પહોંચીને ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ફોર્મ ભરતી વેળાએ ધારાસભ્ય પી.એમ. જાડેજા, નગરપતિ વસંતભાઈ વાઘેલા, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, પ્રભારી પરેશભાઈ ભાનુશાલી, વાલજીભાઈ ટાપરિયા, ડાયાલાલ સેંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, હિરેન ભટ્ટ, મયુર વાઘેલા, ઈન્દ્રજીતસિંહ વાઢેર, ખેંગાર રબારી, જાગૃતિબેન પલણ, દમયંતીબેન ચંદુલાલ સુથાર સહિતના હાજર રહ્યા હતા.
દરમિયાન કોંગ્રેસ તરફથી કોટડા (જ) બક્ષીપંચ મહિલા સીટ પરથી ચૂટાયેલા કાજલબેન કૃષ્ણદાન ગઢવીએ તાલુકા પંચાયત પ્રમુખ પદે ફોર્મ ભર્યું હતું, જેની દરખાસ્ત વિથોણ તાલુકા પંચાયતની બેઠકના રિદ્ધિબેન શાંતિલાલ નાથાણીએ મુકી હતી. ઉપપ્રમુખ પદે નેત્રા તાલુકા પંચાયત સદસ્ય ઓસમાણભાઈ સુમરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જેને દેશલપર (ગું) બેઠકના તાલુકા પંચાયત સદસ્ય સલીમ જીએજાએ દરખાસ્ત મુકી હતી. આ ટાંકણે તાલુકા પંચાયત સભ્ય વિપક્ષને અલગ ચેમ્બર ફાળવવા આવેદનપત્ર ટીડીઓને આપ્યું હતું. તા. પં. ગીતાબેન નારણ આહિર - વંગ, શાંતિલાલ પટેલ રમેશદાન ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ વિકાસ હાર્દિક ગઢવી, નાયબ ટીડીઓ આર.વી. સોની, વર્ષાબેન જાની હાજર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, તા.પં.માં ભાજપ પાસે ૧૧ તો કોંગ્રેસ પાસે ૭ ચૂંટાયેલા સદસ્યો છે.
................
નખત્રાણા-અબડાસા-લખપતમાં ભાજપના અમુક સદસ્યો ગેરહાજર રહ્યાની ચર્ચાએ ગરમી પકડી’
નખત્રાણા - કચ્છઉદય : આવતીકાલે તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાવાની છે, તે પૂર્વે આજે ફોર્મ ભરવા ટાંકણે ભાજપના અબડાસા અને નખત્રાણા અને લખપતમાં અમુક તાલુકા પંચાયતના સભ્યો ગેરહાજર રહેતા તર્ક વિતર્ક સર્જાયા હતા. ભાજપના અમુક સભ્યોને ખુદ ભાજપના મોવડી મંડળ દ્વારા કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવારો તા. પં. પ્રમુખ અને ઉપપ્રમુખ પદે ફોર્મ ભરાતા ભાજપને ફાળ પડી ગયો હોય તેમ અમુક સભ્યોને સલામત સ્થળે લઈ જવાયા છે. તેવું ચર્ચાઈ રહ્યું છે. જો કે, ભૂતકાળમાં પણ આવી નોબત આવી હતી. ટૂંક સમયમાં ભાજપમાં જુથબંધીનો લાભ કોંગ્રેસ ન લે તે માટે ભાજપ દ્વારા પાણી પહેલા પાળ બંધાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Comments