Trending News
સ્થાનિક સમાચાર

માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન છાભૈયાની પસંદગી 

22 May


ભાજપે માંડવી તાલુકા પંચાયતના શાસકોના નામ જાહેર કર્યા :  રાજકીય લોબિંગ પર આખરે વિરામ મુકાયો : મંડળ બેઠકમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જાહેરાત બાદ પંચાયત કચેરીએ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, આવતીકાલે સામાન્ય સભામાં વિધિવત વરણી કરાશે

માંડવી - કચ્છઉદય : માંડવી તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો કોના હાથમાં જશે અને પક્ષ કોના પર ભરોસો મૂકશે તે અંગે ચાલી રહેલી લાંબી ચર્ચાઓ અને આંતરિક જૂથબંધીની અટકળોનો આજે આખરે અંત આવ્યો છે. ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરીને સ્પષ્ટ બહુમતી મેળવી સત્તા કબજે કરી હતી. આજે ભાજપ મંડળની મળેલી મહત્વની બેઠકમાં તમામ દાવેદારોની હાજરી વચ્ચે માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રેખાબેન છાભૈયા અને ઉપપ્રમુખ તરીકે વિરમભાઈ ગઢવીના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતના સુચારુ વહીવટ અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન માટે કારોબારી ચેરમેન તરીકે બળુભા ટપુભા જાડેજા, સદસ્યોમાં સંકલન માટે શાસક પક્ષના નેતા તરીકે કીર્તિભાઈ ભાઈલાલ ગોર તેમજ દંડક તરીકે અંકિતગિરિ રાજેશગિરિ ગોસ્વામીના નામો પર પક્ષે પોતાની પસંદગીનો કળશ ઢોળ્યો છે.
પક્ષના મોવડીમંડળ દ્વારા નામો જાહેર થતાં જ ચૂંટાયેલા તમામ સભ્યો અને વરિષ્ઠ આગેવાનો દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચીને નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ વરણી સાથે જ માંડવીના રાજકારણમાં ચાલતા વિવિધ જૂથોના સમીકરણો અને સોશિયલ મીડિયાની અટકળો પર કાયમી વિરામ મુકાયો છે. આવતીકાલે શનિવારે માંડવી તાલુકા પંચાયતની સત્તાવાર સામાન્ય સભામાં કાયદેસરની પ્રક્રિયા હાથ ધરીને તમામ હોદ્દેદારોની વિધિવત નિયુક્તિ કરવામાં આવશે, જેના પગલે આગામી અઢી વર્ષ માટે માંડવી તાલુકાના ગ્રામીણ વિકાસની કમાન આ નવી ટીમ સંભાળશે.

 

Comments

COMMENT / REPLY FROM