Trending News
સ્થાનિક સમાચાર

અંજાર તા.પં.ના પ્રમુખ તરીકે સંદીપ ચાવડાએ ભર્યું ફોર્મ

22 May


ભાજપે પ્રમુખ-ઉપપ્રમુખ અને સમિતિઓના ચેરમેનના નામો નક્કી કર્યા : પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ, આવતીકાલે વિધિવત પદગ્રહણ કરાશે

અંજાર - કચ્છઉદય : અંજાર તાલુકા પંચાયતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મેળવેલી ભવ્ય અને ઐતિહાસિક જીત બાદ આજે નવા શાસકોના નામો જાહેર કરવામાં આવ્યા છે. લગભગ એક મહિનાના લાંબા સમય સુધી ચાલેલી રાજકીય ચર્ચાઓ અને મોવડીમંડળ સમક્ષ કરાયેલા લોબિંગ બાદ આજે પક્ષના મંડળની બેઠકમાં નામો પરથી સત્તાવાર રીતે પડદો હટાવવામાં આવ્યો છે. ભાજપ દ્વારા અંજાર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વીરા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા સંદીપભાઈ ચાવડા અને ઉપપ્રમુખ તરીકે સતાપર બેઠકના ભાવનાબેન ગોપાલ વીરાના નામો જાહેર કરાયા છે. જ્યારે પંચાયતના વહીવટની ચાવી સમાન કારોબારી ચેરમેન તરીકે દીપકસિંહ જાડેજા, શાસક પક્ષના નેતા તરીકે જીવાભાઈ રબારી તેમજ દંડક તરીકે નૌતમભાઈ ચૌહાણની પસંદગી કરીને સંગઠને પંચાયતનું સુકાન યુવા અને અનુભવી ચહેરાઓને સોંપ્યું છે. આ બેઠકમાં નિરીક્ષક જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ખંડોર, મોમાયાભા ગઢવી, મુળજીભાઈ આહિર, મશરૂભાઈ રબારી, બી.એન. આહિર, કાનજીભાઈ આહિર રૂપાભાઈ રબારી સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના તમામ ૧પ સદસ્યો હાજર રહ્યા હતા.નામોની સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ પક્ષના કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંજાર તાલુકા પંચાયત ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી હતી. આ જાહેરાત સાથે જ તાલુકાના રાજકારણમાં ચાલતા તમામ વિવાદો અને અનુમાનોનો અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં નગરપાલિકાઓ બાદ આ તાલુકા પંચાયતોની વરણી થઈ રહી છે અને ત્યારબાદ ૨૫મી તારીખે જિલ્લા પંચાયતના હોદ્દેદારો નક્કી કરાશે. આવતીકાલે શનિવારે અંજાર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આ તમામ હોદ્દેદારોની વિધિવત વરણી પ્રક્રિયા પૂર્ણ કરીને સત્તાવાર પદગ્રહણ કરાવવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM