મુંદરા તા.પં.ના હોદ્દેદારો માટે ભાજપ અને કોંગ્રેસે દાવેદારી નોંધાવી’
ભાજપે પ્રમુખ પદ માટે સંતોકબા જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે હમીરભાઈ રબારીના નામની કરી જાહેરાત : આવતીકાલે ચૂંટાયેલા હોદ્દેદારો વિધિવત પદભાર કરશે ગ્રહણ
મુંદરા - કચ્છઉદય : કચ્છના આર્થિક અને ઔદ્યોગિક હબ ગણાતા મુંદરા તાલુકાની પંચાયતના નવા શાસકોના નામોની સત્તાવાર જાહેરાત આજે ભાજપ પક્ષ દ્વારા ભારે
સસ્પેન્સ વચ્ચે કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાંબા સમયથી પ્રજા અને પદાધિકારીઓ વરણીની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા. આજે મુંદરા ખાતે યોજાયેલી પક્ષની મંડળ બેઠકમાં નિરીક્ષકો જિલ્લાના હોદ્દેદારો ધવલ આચાર્ય અને અમુલભાઈ દેઢિયા તેમજ મુંદરા તાલુકા પ્રમુખ શક્તિસિંહ જાડેજા અને પાર્ટીના આગેવાન માણેશ ગઢવી, જીજ્ઞેશ હુંબલ વગેરેની ઉપસ્થિતિમાં ભારે મંથન અને વિચારણા બાદ નામો જાહેર કરાયા છે. મુંદરા તાલુકા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ પદે સંતોકબા જાડેજા અને ઉપપ્રમુખ પદે હમીરભાઈ રબારીના નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.
બીજીતરફ કોંગ્રેસ તરફથી પ્રમુખ પદે પુનમબેન છેડા અને ઉપપ્રમુખ પદે દિનેશભાઈ મહેશ્વરીએ પોતાનું ફોર્મ રજુ કરતાં આવતીકાલે મતદાન દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. કોંગ્રેસના વિરમ ગઢવી, નવીન ફફલ, તિલક ફફલ, વિજયસિંહ જાડેજા, સામરા જખુ, આરીફ ખત્રી, ભરત છેડા વગેરે હાજર રહ્યા હતા. આવતીકાલે શનિવારે મુંદરા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના તમામ હોદ્દેદારોની કાયદાકીય રીતે વિધિવત વરણી કરવામાં આવશે. મુંદરા તાલુકા પંચાયતની કુલ ૧૮ બેઠકોમાંથી ભાજપ ૧૦ અને કોંગ્રેસના ૮ સભ્યો ચૂંટાયા છે.

Comments