ભચાઉ તા.પં.ના પ્રમુખ તરીકે રાજીબેન કરશન વાવિયાનું નામ જાહેર’
ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના હાજર રહ્યા : પસંદગી પામેલા હોદ્દેદારોને અપાઈ શુભેચ્છા
ભચાઉ - કચ્છઉદય : કચ્છના વાગડ વિસ્તારની અતિ મહત્વની ગણાતી ભચાઉ તાલુકા પંચાયતમાં સત્તાના સૂત્રો સંભાળવા માટે ભાજપ સંગઠન દ્વારા આજે મોટી જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પરિણામો આવ્યા બાદ હોદ્દેદારોની વરણીમાં થયેલા એક મહિનાના વિલંબને કારણે સ્થાનિક સ્તરે અનેક તર્ક-વિતર્કો અને નારાજગીના સૂર જોવા મળી રહ્યા હતા, જેનો આજે પક્ષ દ્વારા સત્તાવાર નામો જાહેર કરીને અંત લાવવામાં આવ્યો છે. આજે મળેલી ભાજપ મંડળની બેઠકમાં ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજીબેન કરશન વાવિયા (નવા કટારિયા), ઉપપ્રમુખ તરીકે સીતાબેન રણછોડભાઈ ઢીલા (ચોબારી)ના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તદુપરાંત પંચાયતના વિકાસ કાર્યોની દેખરેખ માટે કારોબારી ચેરમેન પદે ઉપેન્દ્રસિંહ જસુભા જાડેજા (ભરૂડિયા),
ગૃહમાં શાસક પક્ષ વતી સંકલન માટે શાસક પક્ષના નેતા તરીકે ભરત કોલી (મનફરા) અને દંડક તરીકે લખમણ રબારી (ચોપડવા)ના નામો નક્કી કરવામાં આવ્યા છે. આવતીકાલે શનિવારે ભચાઉ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવી છે, જેમાં વહીવટી પ્રક્રિયા હેઠળ આ તમામ પદાધિકારીઓની વિધિવત વરણી કરીને સત્તાવાર રીતે શાસન સોંપવામાં આવશે.
ભચાઉ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ર૦ બેઠકોમાંથી ૧૯ ભાજપ અને એક બેઠક કોંગ્રેસના ફાળે આવી હતી. આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અરજણભાઈ રબારી, તાલુકા ભાજપના પ્રમુખ વાઘજીભાઈ છાંગા તેમજ ભુજથી આવેલ નિરીક્ષક અશોકભાઈ હાથી સહિતના હાજર રહ્યા હતા.

Comments