લખપત તાલુકા પંચાયત પ્રમુખ પદે ભાજપના ગંગાબેન બડિયાએ ભર્યું ફોર્મ
ઉપપ્રમુખ પદે હુશેન સુલેમાન પડિયારની સંગઠને કરી પસંદગીઃ કોંગ્રેસ દ્વારા પણ પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નોંધાવાઈ દાવેદારી : આવતીકાલે સભ્યોના મતદાન દ્વારા હોદ્દેદારોની થશે વરણી
દયાપર - કચ્છ ઉદય : કચ્છ જિલ્લાના છેવાડાના અને ભૌગોલિક રીતે પથરાયેલા લખપત તાલુકામાં સ્થાનિક પંચાયત શાસનની ધુરા સંભાળવા માટે ભાજપ સંગઠન દ્વારા ભારે મંથન બાદ આખરે હોદ્દેદારોની પસંદગી કરી લેવામાં આવી છે. ગત મહિને યોજાયેલી ચૂંટણી સંપન્ન થયાને એક માસ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી સ્થાનિક કાર્યકરો, આગેવાનો અને મતદારોમાં હોદ્દેદારોના નામોને લઈને ભારે ઉત્સુકતા અને આતુરતા જોવા મળતી હતી. આજે ભાજપ દ્વારા આયોજિત
પક્ષની ખાસ બેઠકમાં પ્રભારીઓની હાજરીમાં તમામ સસ્પેન્સ પરથી પડદો હટાવી દેવાયો છે. લખપત તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે ગંગાબાઈ મનજી બડિયા અને ઉપપ્રમુખ પદ માટે હુશેન સુલેમાન પડિયાર ના નામની જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી છે. આ વેળાએ ભાજપ પ્રભારી ભીમજીભાઈ જોધાણી, જસુભા જાડેજા, વિક્રમસિંહ સોઢા, રાજુભાઈ પલણ અને તાલુકા પંચાયત સભ્યો હાજર રહ્યા હતા.
કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ પદે ગૌરીબેન કરમણ ફફલ તથા ઉપપ્રમુખ પદે જત શકીનાબાઈએ ફોર્મ ભર્યું હતું. આ વેળાએ ઈબ્રાહીમ કુંભાર સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને સભ્યો હાજર રહ્યા હતા. બન્ને પાર્ટી દ્વારા નામોની સત્તાવાર જાહેરાત થતાંની સાથે જ લખપત તાલુકા પંચાયત ભવન ખાતે ફોર્મ ભરવાની વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ચૂંટાયેલા ડેલીગેટ્સે પક્ષના આદેશ મુજબ પોતાના ફોર્મ જમા કરાવ્યા હતા. નોંધનીય છે કે, લખપત તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ભાજપે ૯ અને કોંગ્રેસે ૭ બેઠકો પર મેળવી હતી. આવતીકાલે સભ્યોના મતદાન દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. હાલે લખપત તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Comments