અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ માટે ભાજપ તરફથી જયેન્દ્રસિંહ જાડેજાએ નોંધાવી દાવેદારી
ઉપપ્રમુખ માટે વિનોદ દરજી, કારોબારી ચેરમેન માટે પ્રવીણ ભાનુશાલી, શાસક પક્ષના નેતા માટે રાજેશ્રીબેન ગઢવી અને દંડક તરીકે રીટાબેન તરૂણગર ગોસ્વામીએ નામાંકન ભર્યું
નલિયા - કચ્છઉદય : આજે અબડાસા તાલુકા પંચાયતના હોદેદારો માટે ફોર્મ રજૂ કરવાની અંતિમ ઘડીએ એક વાગ્યા બાદ ભાજપ દ્વારા દાવેદારી નોંધાવાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ કે.જાડેજા, ઉપપ્રમુખ માટે વિનોદ દરજી, કારોબારી ચેરમેન માટે પ્રવિણભાઇ ભાનુશાલી, શાસક પક્ષના નેતા માટે રાજેશ્રીબેન ગઢવી, દંડક પદ માટે રીટાબેન તરૂણગર ગોસ્વામીએ ટીડીઓ સમક્ષ ફોર્મ રજૂ કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ તરફથી અબડાસા સહ પ્રભારી માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, બાલકૃષ્ણભાઇ મોતા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સભ્યો સુરા કામા રબારી, મહાવીરસિંહ જાડેજા, રાજુભા સોઢા, મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ, જયુભા જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
.........................................
અબડાસામાં પ્રમુખ માટે કોંગ્રેસના વિક્રમસિંહ સોઢાએ પણ ભર્યું ફોર્મ
નલિયા : અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ અને અન્ય હોદેદારોની વરણી પ્રક્રિયા અંતર્ગત ભાજપ દ્વારા તો દાવેદારી નોંધાવાઈ છે, પણ કોંગ્રેસે પણ હાજરી પુરાવી છે. નરેડી બેઠકના સભ્ય વિક્રમસિંહ જોરૂભા સોઢા દ્વારા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ફોર્મ રજુ કરવામાં આવ્યું હતું. ભાજપે તેરા ખાતે બેઠક બોલાવી હતી. બપોરે એક વાગ્યા સુધી ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. પ્રથમ કોંગ્રેસે ફોર્મ ભરતા તાલુકામાં ચર્ચાઓ જામી હતી.

Comments