હાજીપીર રોડ પર ભારે વાહનો માટેનો પ્રતિબંધ ર૦ ઓગસ્ટ સુધી લંબાવાયો
સીસીરોડનું કામ ચાલુ હોવાથી કલેક્ટર દ્વારા મુદ્દત વધારાઈ : ડીઝલની અછત વચ્ચે ફેરો લંબાતા ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં : ઝડપી કામ પૂર્ણ થાય તો ડીઝલ બચે
ભુજ - કચ્છ ઉદય : નખત્રાણા તાલુકાના દેશલપરથી હાજીપીરને જોડતા ૩ર કિ.મી.ના માર્ગને સીસીરોડ બનાવવામાં આવી રહ્યો છે. આ રોડ પર નમકના વાહનો પસાર થતા હોવાથી રસ્તો સાવ ખરાબ થઈ ગયો હતો. અહીં મજબુત સીસીરોડ બનાવવા માટે ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હજુ પણ કામ ચાલુ હોવાથી આ મુદ્દત વધારવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ પરિપત્ર બહાર પાડી જણાવ્યું કે, ભારે વાહનો પર પ્રતિબંધની અમલવારી ર૦ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. ભારે વાહનોના ચાલકોને હાજીપીર - ખાવડા - લોરિયા - નખત્રાણા - બેરૂં - મોસુણા - સણોસરા - કનકપર - કોઠારા - જખૌ પોર્ટ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે. આ સિવાય વાહન ચાલકો ખાવડા - લોરિયા - ભુજ - માનકૂવા - દેશલપર વાંઢાય - સણોસરા - બિટ્ટા - તેરા - નલિયા - જખૌ પોર્ટ રૂટનો ઉપયોગ કરી શકશે. તેમજ કંડલા તરફ જવા માટે હાજીપીર - લુણા - ભીટારા - ધોરડો - લુડિયા - ભીરંડિયારા - ભુજ - શેખપીર રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં એક તરફ સમગ્ર કચ્છમાં ડીઝલની અછત છે. વાહનો ચાલકો આખી રાત લાઈનમાં ઊભા રહે ત્યારે માંડ ડીઝલ મળે છે. ક્યાંક વધારે પૈસા ચૂકવવા પડે છે. આ પરિસ્થિતિ વચ્ચે વાહનો ચાલકોને પરિવર્તિત માર્ગના કારણે વધુ ઈંધણ વાપરવું પડે છે. તંત્ર દ્વારા રોડનું કામ જલદી પૂર્ણ કરવામાં આવે તો ડીઝલ બચે તેમ છે.

Comments