Trending News
સ્થાનિક સમાચાર

ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ પદે લક્ષ્મીબેન ખેતાણીની પસંદગી

22 May




સત્તાના સર્વોચ્ચ શિખર માટે ભાજપે પત્તાં ખોલ્યા : પ્રમુખ - ઉપપ્રમુખ સહિતના મોભીઓના નામોની સત્તાવાર જાહેરાત : પ્રમુખ અને ઉપપ્રમુખે તાલુકા પંચાયત કચેરી ખાતે ભર્યું નામાકન 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યાના એક માસ બાદ આખરે ભુજ તાલુકા પંચાયતના શાસકો નક્કી કરાયા :  છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી અટકળો અને રાજકીય ગરમાવાનો સુખદ અંત : આવતીકાલે ખાસ સામાન્ય સભામાં કરાશે વિધિવત તાજપોશી 



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં શાસકોની તાજેતરમાં કરાયેલી વરણી બાદ હવે ગ્રામીણ ક્ષેત્રની મજબૂત સરકાર ગણાતી તાલુકા પંચાયતોમાં સત્તાના સૂત્રો સોંપવા માટે ભાજપ મોવડીમંડળ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. ગત મહિને યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં ભુજ તાલુકા પંચાયતમાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી હતી. ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થયાના લગભગ એક માસ જેટલા લાંબા સમય બાદ આખરે આજે સસ્પેન્સનો અંત આવ્યો છે અને પ્રમુખ પદ માટે દાવેદારોની દોડધામ શાંત પડી છે. ભાજપ દ્વારા આજે ખાસ આયોજિત પક્ષની મંડળ બેઠકમાં ભુજ તાલુકા પંચાયતના સર્વોચ્ચ એવા પ્રમુખ તરીકે લક્ષ્મીબેન ખેતાી અને ઉપપ્રમુખ તરીકે રાધાબેન આહિરના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચાયતના આર્થિક અને વહીવટી નિર્ણયોમાં સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન પદે કુલદીપસિંહ ચૌહાણ ગૃહમાં પક્ષ પક્ષે વ્હીપ અને શિસ્ત જાળવવા માટે શાસક પક્ષના નેતા તરીકે ભરત રાઠોડની પસંદગી કરીને સંગઠન દ્વારા નવા શાસકોની આખી ટીમ જાહેર કરી દેવામાં આવી છે. કચ્છ કમલમ ખાતે ભુજ તાલુકા ભાજપ પ્રભારી આણંદભાઈ માતા, મુંદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ પ્રણવભાઈ જોષી અને ભુજ તાલુકા ભાજપના પ્રમુખ અશોકભાઈ બરાડિયાએ પ્રદેશ કક્ષાએથી આવેલા નામોની વિધિવત જાહેરાત કરી હતી. કચ્છ કમલમ ખાતે હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી સન્માનિત કરાયા હતા. પક્ષના હાઈકમાન્ડ દ્વારા નામોની જાહેરાત થતાંની સાથે જ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચાલતી વિવિધ પ્રકારની અટકળો અને અનુમાનોનો આખરે અંત આવી ગયો છે. સંગઠન દ્વારા આ નામો જાહેર કરાયા બાદ તુરંત જ તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા સદસ્યો ઉત્સાહભેર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ભુજ તાલુકા પંચાયત ખાતે નિયત નમૂનામાં ફોર્મ ભરવાની સત્તાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે શનિવારના રોજ ભુજ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભા વહીવટી વડાની અધ્યક્ષતામાં મળશે, જેમાં સત્તાવાર રીતે આ નામો રજૂ કરીને તમામ હોદ્દેદારોની વિધિવત અને કાનૂની વરણી કરવામાં આવશે. આ પ્રસંગે દિનેશભાઈ ઠક્કર, લાલજીભાઈ વાઘાણી, વિનોદભાઈ વરસાણી, માવજીભાઈ ઢીલા, દિપક ડાંગર વગેરે હાજર રહ્યા હતા. આ વરણી બાદ આગામી ૨૫મી તારીખે જિલ્લા પંચાયત અને સૌથી છેલ્લે મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિનો દોર શરૂ કરવામાં આવશે.

 

Comments

COMMENT / REPLY FROM