સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ, રૂ. ૫૫ હજારનો દંડ
ભુજ - કચ્છઉદય : મુન્દ્રા તાલુકાની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી ભરતસિંહ ભીખુભા જાડેજાને કોર્ટે કડક સજા ફટકારી છે. તા. ૮-૧૨-૨૦૨૪ના નોંધાયેલા કેસમાં કોર્ટે આરોપીને ૨૦ વર્ષની સખત કેદ તેમજ રૂ. ૫૫ હજારનો દંડ ફટકાર્યો છે.
ફરિયાદ મુજબ આરોપીએ સગીરાને ફોન દ્વારા સંપર્કમાં આવી વિશ્વાસમાં લીધી હતી. બાદમાં વારંવાર મળવા બોલાવી, ધમકી આપી અને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ બાબત કોઈને જણાવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ તેમજ બી.એન.એસ. - ૨૦૨૩ હેઠળ ગુનો નોંધાયો હતો. કેસની તપાસ પૂર્ણ થયા બાદ પ્રાગપર પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસની ભુજના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરની અદાલતમાં ચાલી ગયેલ હતી. જયાં આ કામે પ્રોસીક્યુશન તરફે ૩૦ દસ્તાવેજી પુરાવા તથા ૧૧ સાક્ષીઓની તપાસમાં આવેલ હતી. કોર્ટ દ્વારા આરોપીને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને રૂ. ૫૦ હજાર દંડ તેમજ અન્ય ગુનામાં વધુ સજા અને દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ ભોગ બનનારાને રૂ. ૪ લાખ વળતર ચુકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ અસરકારક દલીલો રજૂ કરી હતી.
----

Comments