ભુજ મધ્યસ્થતા કેન્દ્રની સફળતા : નિવૃત્ત જવાનને મળ્યો ન્યાય
ભુજ - કચ્છઉદય : ભુજ મધ્યસ્થતા કેન્દ્ર થકી નિવૃત્ત જવાનને ઝડપી ન્યાય મળ્યો હતો. દેશની સરહદોની રક્ષા કરીને નિવૃત્ત થયેલા કચ્છના એક માજી સૈનિક તેમનું નિવૃત્ત જીવન જીવી રહ્યા હતા. તેમનું માસિક પેન્શન સાતમા પગાર પંચ મુજબ ભુજ મધ્યે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના તેમના ખાતામાં જમા થતું હતું, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૯માં શરૂ કરાયેલી “વન નેશન - વન પેન્શન” યોજના જે વર્ષ ૨૦૨૪ અમલી બની તેની હેઠળ તેમની પેન્શનની રકમમાં વધારો થવા પાત્ર હતો, પરંતુ બેંકની ટેકનિકલ ખામી કે બેદરકારીના કારણે તેમને આ વધેલી રકમ તેઓને મળતી ન હતી. નિવૃત્ત જવાન પોતાની આ સમસ્યા માટે બેંકના ચક્કર કાપીને પરેશાન થઈ ગયા હતા. બેંક તરફથી કોઈ ઉકેલ ન મળતા તેઓ બહુમાળી ભવન, ભુજ મધ્યે સ્થિત “જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ” ની કચેરીએ પહોંચ્યા. ત્યાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હીની ખાસ “વીર પરિવાર સહાયતા યોજના” હેઠળ સૈનિકોની મદદ માટે નીમેલા વકીલ સાથે તેમની મુલાકાત થઈ.
પેનલ એડવોકેટ માજી સૈનિકને જિલ્લા મધ્યસ્થતા કેન્દ્ર, ભુજ-કચ્છ ખાતે ‘પ્રી-લિટિગેશન’ હેઠળ અરજી કરવાની સલાહ આપી. જે સલાહને માન આપી માજી સૈનિકે મધ્યસ્થતા કેન્દ્ર, ભુજ-કચ્છ મધ્યે પ્રી-લિટિગેશન અરજી દાખલ કરી. મધ્યસ્થતા કેન્દ્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને તાત્કાલિક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાને નોટિસ પાઠવવામાં આવી. જેના પરિણામે નિશ્ચિત કરેલી તારીખ ૨૦/૫નાં રોજ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર મધ્યસ્થતા કેન્દ્ર, ભુજ-કચ્છ મધ્યે હાજર રહ્યા. જ્યાં કોર્ટ જેવું તણાવભર્યું વાતાવરણ ન હતું તેમજ બંને પક્ષો વચ્ચે શાંતિપૂર્ણ વાતચીત થઈ. બેંકના મેનેજર દ્વારા નિવૃત્ત જવાનની રજૂઆત ખૂબ જ આદરપૂર્વક સાંભળી અને સરકારના ૨૦૨૪ના નવા નિયમો અનુસાર પોતાની બેંક તરફથી થયેલી ભૂલ સ્વીકારી અને તેમણે આ સમસ્યાનો સ્થળ પર જ સકારાત્મક ઉકેલ લાવવાની તૈયારી બતાવી. જેના પરિણામે બેંકના મેનેજરે નિવૃત્ત જવાન અને મધ્યસ્થતા કેન્દ્ર સમક્ષ મૌખિક ખાતરી આપી કે, “વન નેશન - વન પેન્શન” યોજનાના નવા નિયમો મુજબ જવાનના ખાતામાં પેન્શનની રકમ તાત્કાલિક વધારી દેવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીનું જેટલું પણ પેન્શન બાકી નીકળે છે તેની ગણતરી કરીને ટૂંક સમયમાં જ તેમના ખાતામાં જમા કરી દેવામાં આવશે. આમ, આ વિવાદનો ઉકેલ માત્ર ગણતરીની કલાકોમાં જ આવી ગયો. આ સફળતા દર્શાવે છે કે, રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી ની વિવિધ યોજનાઓ તેમજ મધ્યસ્થતા કેન્દ્ર, ભુજ-કચ્છ સામાન્ય નાગરિકો અને દેશના વીર જવાનોને વગર ખર્ચે અને ઝડપથી ન્યાય અપાવવા માટે કેટલું ઉત્તમ કામ કરી રહ્યા છે.
-----

Comments