ચોમાસા પૂર્વે કચ્છના પશુધનને ગળસુંઢાના રોગ સામે સુરક્ષિત કરવા જરૂરી : ડૉ.રાજેશ પટેલ
રાજ્યમાં સૌથી મોટું પશુધન ધરાવતા જિલ્લામાં અગમચેતીના પગલાં : પશુપાલકોને ગળસુંઢાની નિઃશુલ્ક રસી અપાવવા કરાઈ અપીલ : ઘેટા બકરાના સ્વાસ્થ્ય રક્ષણ માટે પણ સજ્જતા : વિનામૂલ્યે કૃમિનાશક દવાનો લાભ લેવા જિલ્લા પશુપાલન અધિકારીએ કર્યો અનુરોધ
ભુજ - કચ્છઉદય : ગુજરાત રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા સરહદી કચ્છ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વ્યાપક સ્તરે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. કચ્છ જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, ઘોડા અને ઊંટ સહિત અંદાજે ૨૩ લાખ જેટલું વિશાળ પશુધન આવેલું છે. આ પશુધનને ચોમાસા દરમિયાન થતા જીવલેણ રોગોથી બચાવવા માટે અત્યારથી જ આગોતરા પગલાં લેવા અનિવાર્ય બન્યા છે.
ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં પશુઓમાં ખાસ કરીને ગાય અને ભેંસ વર્ગમાં ગળસુંઢાનો ગંભીર રોગ ફેલાવાની શક્યતા વધુ રહે છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પશુપાલન વિભાગ દ્વારા ખાસ રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જિલ્લાના તમામ પશુપાલકોને પોતાના નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરી પોતાના પશુઓને સમયસર ગળસુંઢાની રસી મુકાવી લેવા અનુરોધ કરાયો છે. સરકાર દ્વારા આ રસી તદ્દન નિઃશુલ્ક આપવામાં આવી રહી છે જેથી રોગચાળો ફાટી નીકળે તે પહેલાં જ પશુઓનું રક્ષણ કરી શકાય.
કચ્છ જિલ્લામાં આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા પશુધનની સુરક્ષા માટે વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. રાજેશ પટેલે જણાવ્યું છે કે કચ્છ જિલ્લામાં હાલમાં અંદાજે ૧૧ લાખ જેટલા ઘેટા અને બકરાનું વિશાળ પશુધન અસ્તિત્વ ધરાવે છે. આ પશુધનને મોસમી રોગચાળાથી બચાવવા માટે માલધારીઓનો સહયોગ અત્યંત અનિવાર્ય છે. ચોમાસા દરમિયાન પશુઓમાં ફેલાતા સંભવિત રોગોને અટકાવવા માટે સરકાર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ માલધારીઓને તેમના નજીકના સરકારી પશુ દવાખાના અથવા પશુ સારવાર કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવાયું છે. પશુપાલન વિભાગ દ્વારા તમામ ઘેટા બકરા માટે કૃમિનાશક દવા વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી પશુપાલકો કોઈપણ આર્થિક બોજ વિના આ સેવાનો લાભ મેળવી શકે. આ પૂર્વેની તૈયારીઓ પશુધનના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. સમયસર કૃમિનાશક દવા પીવડાવવાથી ઘેટા બકરાની શારીરિક તંદુરસ્તી અને રોગપ્રતિકારક શક્તિમાં નોંધપાત્ર સુધારો થાય છે. આ પદ્ધતિ અપનાવવાથી ચોમાસાની ઋતુ દરમિયાન પશુઓમાં ફેલાતા ઘાતક અને ચેપી રોગચાળાને સમયસર અટકાવી શકાશે, જેનાથી માલધારીઓને થતા આર્થિક નુકસાનથી બચાવી શકાશે તેવું ડૉ.પટેલે વધુમાં જણાવ્યું હતું.
.....................
કચ્છ જિલ્લામાં પશુઓને ખરવા-મોવાસાના રોગથી બચાવવા પશુપાલન વિભાગની સક્રિય કામગીરી
દૂધ ઉત્પાદનમાં થતો મોટો ઘટાડો અટકાવવા રસીકરણ જરૂરી : વર્ષમાં બે વાર અંદાજે ૧૦ લાખ પશુઓનું રસીકરણ કરાશે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં પશુઓમાં જોવા મળતા મોસમી અને વિષાણુજન્ય રોગ ખરવા-મોવાસા સામે પશુપાલકોને જાગૃત કરવા માટે પશુપાલન વિભાગ દ્વારા ખાસ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. ડૉ. રાજેશ પટેલના જણાવ્યા મુજબ, ખરવા-મોવાસા એવો વિષાણુજન્ય રોગ છે જેમાં પશુઓના મૃત્યુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, પરંતુ આ રોગના કારણે પશુઓની દૂધ આપવાની ક્ષમતામાં સીધો ૫૦ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાય છે. આ પરિસ્થિતિ પશુપાલકો માટે ભારે આર્થિક નુકસાનનું કારણ બને છે, જેથી સમયસર રસીકરણ જ આ નુકસાનમાંથી બચવાનો એકમાત્ર ઉપાય છે.આ ગંભીર આર્થિક નુકસાનીથી પશુપાલકોને બચાવવા માટે સરકાર દ્વારા વર્ષમાં બે વખત એટલે કે ફેબ્રુઆરી-માર્ચ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન ખરવા-મોવાસા વિરોધી રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. જિલ્લામાં આશરે ૧૦ લાખ જેટલા પશુઓને આવરી લેવાના લક્ષ્યાંક સાથે વેટરનરી ઓફિસર્સ, પશુધન નિરીક્ષકો અને પેરાવેટ સ્ટાફની વિશાળ ટીમ કાર્યરત કરવામાં આવી છે. જિલ્લાના તમામ પશુપાલકોને આ નિયત સમયગાળા દરમિયાન અચૂકપણે રસીકરણ કરાવી લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

Comments