ઓનલાઇન ફાર્મસીનો ઉગ્ર વિરોધ કચ્છમાં મેડિકલ સ્ટોર્સનો અભૂતપૂર્વ બંધ : તમામ દવાની દુકાનો સજ્જડ બંધ
કેમિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે ભુજ, ગાંધીધામ, માંડવી અને અંજાર સહિત સમગ્ર કચ્છમાં દવાના વેપારીઓએ સ્વેચ્છાએ શટર પાડી વિરોધ નોંધાવ્યો
ભુજ - કચ્છઉદય : ઓનલાઇન ઇ-ફાર્મસી દ્વારા દવાઓના બેફામ વેચાણ, નકલી દવાઓના કારોબાર અને ભારે ડિસ્કાઉન્ટના વિરોધમાં ‘ઑલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઑફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ‘ દ્વારા આપવામાં આવેલા ૨૪ કલાકના દેશવ્યાપી બંધના એલાનને સરહદી જિલ્લા કચ્છમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. કચ્છ જિલ્લા કેમિસ્ટ એસોસિએશનના આહવાનને પગલે આજે વહેલી સવારથી જ જિલ્લાભરના તમામ મેડિકલ સ્ટોર્સ સજ્જડ બંધ રહ્યા હતા. ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી, મુંદરા અને ભચાઉ જેવા મુખ્ય શહેરોથી લઈને રાપર સહિતના વાગડ પંથક અને નખત્રાણા, દયાપર તેમજ અબડાસાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો સુધી બંધની વ્યાપક અને પૂર્ણ અસર જોવા મળી છે. સ્થાનિક દવા વ્યાપારીઓએ પોતાની દુકાનોના શટર સંપૂર્ણપણે બંધ રાખીને ઓનલાઇન ફાર્મસી સામે આક્રોશ પૂર્વક વિરોધ પ્રદર્શિત કર્યો છે.
કચ્છના વેપારી મંડળોના જણાવ્યા અનુસાર, યોગ્ય સરકારી નિયંત્રણોના અભાવે પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો વ્યવસાય ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. ઓનલાઇન માધ્યમોથી અપાતા બેફામ ડિસ્કાઉન્ટના કારણે નાના વેપારીઓનું અસ્તિત્વ જોખમાયું છે, જેની સામે સમગ્ર જિલ્લાના કેમિસ્ટોએ આજે એકસૂત્રતા દર્શાવીને બંધને સો ટકા સફળ બનાવ્યો છે. કેમિસ્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ઓનલાઇન દવાના વેચાણ અંગેનું જીએસઆર ૮૧૭ નોટિફિકેશન રદ કરવા અને સ્થાનિક રિટેલ દુકાનદારોનું માર્જિન વધારવા સહિતની મુખ્ય ત્રણ માંગણીઓ દોહરાવવામાં આવી છે.
આ સજ્જડ બંધ વચ્ચે પણ કચ્છીમાડુઓ અને ગંભીર દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે એસોસિએશન દ્વારા માનવતાવાદી અભિગમ સાથે વિશેષ વ્યવસ્થા જાળવી રાખવામાં આવી હતી.
જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોના પરિસરમાં આવેલા ઇન-હાઉસ મેડિકલ સ્ટોર્સ તેમજ પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યા હતા, જેથી કટોકટીના સમયે જીવનરક્ષક દવાઓ મેળવવામાં દર્દીઓને કોઈ અગવડ પડી ન હતી. સમગ્ર સરહદી પંથકમાં દવાની દુકાનો સજ્જડ બંધ રહેતા હડતાળ પૂર્ણપણે સફળ રહી છે અને વેપારીઓએ એક થઈને સરકાર સુધી પોતાનો મજબૂત અવાજ પહોંચાડ્યો છે.
...........
મુન્દ્રા તાલુકાના તમામ મેડિકલ બંધ
મુન્દ્રા - કચ્છ ઉદય : ઓનલાઈનથી દવા મંગાવવાનો ક્રેઝ વધી જતા વર્ષોથી મેડિકલ જ્યાં તમામ પ્રકારની દવા ઉપલબ્ધ હોવા છતા ઓનલાઈનના હિસાબે ધંધામાં ખોટ આવી છે ત્યારે મુન્દ્રા જ નહીં પુરા દેશમાં આજે મેડિકલના માલિકોએ વિરોધમાં દુકાનો બંધ રાખવામાં આવી છે. મુન્દ્રામાં ૧૯પ૬ મા પુરા કચ્છમાં ૪ દુકાનોમાંથી એક પેઢી એવી ડી.આર. વકીલ એન્ડ કાું તથા ભોલેનાથ મેડિકલ, ઉમિયા મેડિકલના દુકાનો બંધ રાખ્યા હતા તે તસવીરમાં દેખાય છે.
.........
આજે ગાંધીધામ-આદિપુરમાં ૧૫૦થી વધુ મેડિકલ સ્ટોર બંધ : ઈમરજન્સી દવા માટે ત્રણ કેન્દ્રો કાર્યરત
દેશવ્યાપી હડતાળના પગલે મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે; જૈન સેવા સમિતિ, હરિ ઓમ સેવા ટ્રસ્ટ અને ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે દવાઓ ઉપલબ્ધ રહેશે
ગાંધીધામ : ઓનલાઈન દવા વેચાણ સહિતની વિવિધ માંગણીઓના સમર્થનમાં આજે દેશવ્યાપી કેમિસ્ટ અને ડ્રગિસ્ટ હડતાળના ભાગરૂપે ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં ૧૫૦થી વધુ મેડિકલ સ્ટોર્સ બંધ રહેશે. ગુજરાતભરમાં અંદાજે ૩૫ હજારથી વધુ મેડિકલ સ્ટોર્સ હડતાળમાં જોડાતા સામાન્ય દિવસોની સરખામણીએ દવા ખરીદીમાં અસર જોવા મળી શકે છે.તેમ છતાં દર્દીઓને તાત્કાલિક સારવાર અને જરૂરી દવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા જાહેર કરાયેલા ઇમરજન્સી સેવા કેન્દ્રોમાં ગાંધીધામ ખાતે જૈન સેવા સમિતિ, હરિ ઓમ સેવા ટ્રસ્ટ અને ડિવાઇન લાઈફ હોસ્પિટલ ખાતે દવાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત વિવિધ હોસ્પિટલોના પરિસરમાં આવેલી મેડિકલ સ્ટોર્સ પણ ઇમરજન્સી જરૂરિયાત માટે ચાલુ રહેશે.ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યભરમાં હડતાળ દરમિયાન ખુલ્લા રહેનારા ૮૩૨ મેડિકલ સ્ટોર્સની યાદી જાહેર કરી છે, જેથી દર્દીઓને જરૂરી દવાઓ સરળતાથી મળી રહે.કેમિસ્ટ અને ડ્રગિસ્ટ સંગઠનોની મુખ્ય માંગણીઓમાં ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ, કોરોના કાળ દરમિયાન અપાયેલી ઓનલાઈન વેચાણની છૂટ રદ કરવી, કોર્પોરેટ કંપનીઓ દ્વારા આપવામાં આવતા ભારે ડિસ્કાઉન્ટ પર નિયંત્રણ, ગેરકાયદે ઈ-ફાર્મસી સામે કાર્યવાહી તથા નશાકારક દવાઓના ઓનલાઈન વેચાણ પર રોક લગાવવાનો સમાવેશ થાય છે. હડતાળના કારણે ગાંધીધામ-આદિપુરના નાગરિકોને જરૂરી દવાઓ અગાઉથી ખરીદી રાખવા તેમજ ઇમરજન્સી જરૂરિયાત માટે જાહેર કરાયેલા સેવા કેન્દ્રોનો ઉપયોગ કરવાની સલાહ
આપવામાં આવી છે.
.......

Comments