ભુજના રવાણી ફળિયામાં માતા-પુત્રના એક સાથે મોતથી અરેરાટી ફેલાઈ
પુત્ર દિવ્યાંગ અને માતા બિમાર હતા : એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી
ભુજ - કચ્છ ઉદય : શહેરના રવાણી ફળિયામાં માતા-પુત્રના એક સાથે મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. માતા અને પુત્ર અહીં એકલા રહેતા હતા. બુધવારે બપોરે આ મામલાની જાણ થતા પરિવારજનો દોડી આવ્યા હતા. એ-ડિવિઝન પોલીસ પણ પહોંચી આવી હતી. બાદમાં દેહને પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સોની સમાજના ૩૬ વર્ષિય ભરતભાઈ બારમેડા દિવ્યાંગ હતા અને તેઓ પેરાલિસીસથી પીડિત હતા. તેમજ તેમના માતા રશીલાબેન પણ અંદાજે ૭૦ વર્ષના હતા અને થાઈરોઈડ તેમજ અન્ય બિમારી અને ઉમરના કારણોસરના અશકત હતા. બન્ને એકબીજાના જીવનનો સહારો હતા. દરમિયાન એટેક આવી જવાના કારણે માતાનું મોત થયાનું હાલ તબકે માનવામાં આવી રહ્યું છે. સાથ છુટી જવાના ધ્રાસકામાં પુત્રનું પણ મોત થયાનું સ્થાનિકે ચર્ચાયું હતું. પણ સાચુ કારણ પોસમોર્ટમના રિપોર્ટ બાદ જ જાણવા મળશે. અલબત્ત બનાવની જાણ થતા એ-ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પીઆઈ એમ.આર.નકુમ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, બન્નેના મૃતદેહ મળ્યા છે. પીએમ માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ આગળની તપાસ ચાલુ છે. દરમિયાન બનાવની જાણ થતા તેઓના પરિવારજનો તેમજ આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ બનાવથી અરેરાટી ફેલાઈ જવા પામી છે.
--

Comments