ભચાઉમાં ઘરફોડ ચોરીનો ભેદ કલાકોમાં ઉકેલાયો, ચોરીનો મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયો
ભચાઉ : ભચાઉ પોલીસને ઘરફોડ ચોરીના ગુનામાં મહત્વની સફળતા મળી છે. નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડી ચોરી કરાયેલ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર તથા નાયબ
પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ સામે સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત ભચાઉ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાની તપાસ દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસે ભરતભાઈ રતાભાઈ રાતડીયા (ઉ.વ. ૨૮), રહે થલાવાડ પ્લોટ, ગામ સુખપર, તા. બાબરા, જી. અમરેલી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી હોન્ડા કંપનીની GJ-03-ML-0387 નંબરની કાર, બે સી.પી.યુ. અને હાર્ડડિસ્ક સહિત કુલ અંદાજે રૂ. ૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ભચાઉ પોલીસ દ્વારા આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સમગ્ર મામલે આગળની તપાસ ચાલુ છે.

Comments