Trending News
સ્થાનિક સમાચાર

યુદ્ધજન્ય વૈશ્વિક સંકટમાં સરકાર સાથે સંકલન જ સમયની માંગ : ગ્લોબલ ચેમ્બર

19 May


ડીઝલ પુરવઠા મુદ્દે આંદોલન નહીં, સંયમ અને સહકારથી ઉકેલ લાવવાની ટ્રાન્સપોર્ટરોને જાહેર અપીલ

ભુજ - કચ્છઉદય : ખાડી વિસ્તારમાં સર્જાયેલી યુદ્ધજન્ય પરિસ્થિતિના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ, ડીઝલ, પેટ્રોલ અને રાંધણગેસના પુરવઠા ઉપર અસર જોવા મળી રહી છે. સમુદ્રી માર્ગો પર વધેલા જોખમો, જહાજોની અવરજવર પર પડતી અસર તથા આયાતી ઇંધણના વિતરણમાં ઊભી થયેલી અડચણોના પગલે દેશભરમાં ડીઝલ પુરવઠાની સ્થિતિ ઉપર સ્વભાવિક દબાણ સર્જાયું છે. આવા સમયમાં ગાંધીધામ ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા તા.૧ જૂનથી વાહનો અને મશીનરી બંધ કરી ચક્કાજામ કરવાની ચેતવણીના અહેવાલોને પગલે ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો દ્વારા શાંતિ, સંયમ અને સરકારને સહકાર રાખવાની અપીલ કરવામાં આવી છે.
ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો ના પ્રમુખ રાજેન્દ્ર ટાંક તથા મહામંત્રી બાબુભાઈ ભવાનજીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ આખું વિશ્વ યુદ્ધની અસરોનો સામનો કરી રહ્યું છે ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ અને ગેસની આયાત પર નિર્ભર હોવાથી આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં સર્જાતી ખલેલનો સીધો પ્રભાવ દેશમાં જોવા મળી રહ્યો છે, તેમ છતાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઇંધણ પુરવઠો નિયમિત રહે, આવશ્યક સેવાઓ ખોરવાય નહીં અને વેપાર-ઉદ્યોગ ઉપર ઓછામાં ઓછી અસર થાય તે માટે સતત મોનિટરિંગ અને સંકલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આવી સંવેદનશીલ ઘડીએ આંદોલનાત્મક કાર્યક્રમો અથવા ચક્કાજામ જેવા પગલાંથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ સામાન્ય જનજીવન અને રાષ્ટ્રીય પુરવઠા વ્યવસ્થા વધુ પ્રભાવિત થઈ શકે છે.
ચેમ્બર આગેવાનોએ જણાવ્યું હતું કે અન્ય અનેક દેશોની તુલનામાં ભારતમાં પરિસ્થિતિ હજુ પણ નિયંત્રણ હેઠળ છે અને રોજિંદી જીવનવ્યવસ્થા યથાવત ચાલી રહી છે. કેટલાક વિસ્તારોમાં પુરવઠામાં વિલંબ થતો હોવા છતાં સરકાર દ્વારા વિકલ્પરૂપ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે આવી ઘડીએ દરેક વેપારી, ટ્રાન્સપોર્ટર અને ઉદ્યોગ સંગઠનોએ સરકાર સાથે ખંભે ખંભા મિલાવી રાષ્ટ્રહિતમાં સહકાર આપવો જોઈએ તેમણે લોકો અને વેપારીઓને અનાવશ્યક સંગ્રહખોરીથી દૂર રહેવા, ઇંધણનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને અફવાઓથી સાવચેત રહેવાની પણ અપીલ કરી હતી. ક્યારેક સ્થાનિક સ્તરે તંત્રની ક્ષતિ કે વિતરણ વ્યવસ્થામાં વિલંબને કારણે થોડી અનિયમિતતા સર્જાતી હોઈ શકે, પરંતુ સરકાર સાથે સંકલન અને સમજદારી પૂર્વકના વલણથી તેનો ઉકેલ લાવી શકાય છે. અંતમાં ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લો ના આગેવાનોએ જણાવ્યું હતું કે અત્યારે સમય વિરોધનો નહીં પરંતુ દેશ અને સરકાર સાથે એકતાથી ઉભા રહી વૈશ્વિક સંકટ સામે સંયુક્ત લડત આપવાનો છે. 
--------

Comments

COMMENT / REPLY FROM