સંભવતઃ ૨૨મી મેથી દોડશે ભુજ-દિલ્હી સુપરફાસ્ટ
કચ્છથી ઉત્તર ભારતની સફર થશે વધુ સરળ
ધાનેરા અને ઝાલોર સહિત ૧૬ સ્ટેશનોનું મળશે સ્ટોપજ : ઝાલોર - દિલ્હી ટ્રેનને ભુજ સુધી લંબાવવા આખરી મંજૂરીની પ્રતીક્ષા : ૨૨ એલએચબી કોચની આધુનિક સગવડ સાથે દોડશે દૈનિક સુપરફાસ્ટ ટ્રેન
ભુજ - કચ્છઉદય : કચ્છને ઉત્તર ભારત અને રાજસ્થાન સાથે જોડતી વધુ એક સીધી રેલ સેવા શરૂ થાય તેવા મજબૂત સંકેતો મળી રહ્યા છે. રેલવે વિભાગ દ્વારા લાંબા સમયથી ચર્ચામાં રહેલી ભુજ-દિલ્હી વાયા ઝાલોર નવી દૈનિક એક્સપ્રેસ ટ્રેન આગામી ૨૨ મેથી પાટા પર દોડતી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે આ ટ્રેન અંગે સ્થાનિક રેલવે તંત્ર હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યું છે. ભુજના એરિયા રેલવે મેનેજર રાજીવ કુમાર સાથે આ અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, રેલવે વિભાગ દ્વારા હજુ સુધી આ ટ્રેનને ભુજ સુધી લંબાવવા માટે કોઈ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સંભવિત ૨૨મી તારીખે આ ટ્રેન શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. આમ, સત્તાવાર આદેશ આવતાની સાથે જ કચ્છવાસીઓને દિલ્હી માટે વધુ એક દૈનિક ટ્રેનની ભેટ મળી જશે.રેલવેના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ આ નવી ટ્રેન સેવા શરૂ થવાથી કચ્છના પ્રવાસીઓ અને વેપારીઓને રાજસ્થાનના જોધપુર અને જયપુર થઈને છેક દિલ્હી સુધીની સીધી કનેક્ટિવિટી મળશે. સંભવિત સમયપત્રક અનુસાર આ ટ્રેન ભુજ રેલવે સ્ટેશનથી દરરોજ સવારે ૧૧ઃ૧૫ કલાકે રવાના થઈને બીજા દિવસે સવારે ૧૧ઃ૪૫ કલાકે દિલ્હી પહોંચશે, જ્યારે વળતી દિશામાં દિલ્હીથી દરરોજ સાંજે ૪ઃ૪૦ કલાકે ઉપડીને બીજા દિવસે સાંજે ૭ઃ૩૫ કલાકે ભુજ પરત ફરશે. આ રૂટ પર મુસાફરોની સુવિધા માટે ૨૨ આધુનિક એલએચબી કોચ લગાવવામાં આવશે, જેમાં એસી, સ્લીપર અને જનરલ ક્લાસના ડબ્બાઓ સામેલ હશે.
આ ટ્રેનના રૂટમાં ગુજરાત અને રાજસ્થાનના સરહદી વિસ્તારોને મોટો ફાયદો થશે. ગુજરાતની સરહદમાં બનાસકાંઠાના ધાનેરા સ્ટેશને પણ આ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે, જ્યાં ભુજથી જતી વખતે સાંજે ૫ઃ૪૮ કલાકે અને દિલ્હીથી આવતી વખતે સવારે ૧૧ઃ૪૦ કલાકે ટ્રેન ઊભી રહેશે. આ ઉપરાંત અંજાર, ગાંધીધામ, ભચાઉ, ભીલડી, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરન, ઝાલોર, સમદડી, લૂણી, પાલી અને અજમેર જેવા મહત્વના સ્ટેશનો પર પણ ટ્રેનનું સ્ટોપેજ રાખવામાં આવ્યું છે. આ નવી સેવા શરૂ થવાથી ઝાલોર પંથકને અંદાજે પ૬ વર્ષ પછી સીધી દિલ્હી અને ગુજરાત સાથે રેલ સુવિધા મળશે. બીજી તરફ, દિલ્હી ટ્રેનની હિલચાલથી કચ્છના મુસાફરોમાં આનંદ છે, પરંતુ તેની સાથે ભુજથી હરિદ્વાર માટેની દૈનિક ટ્રેનની જૂની માંગણી પર પણ રેલવે બોર્ડ વહેલી તકે મંજૂરીની મહોર મારે તેવી લોક માંગ ઉઠી રહી છે.
---------

Comments