જખૌ બંદરે માછીમારોને ફાળવાતા ડીઝલનો કાળો કારોબાર
મત્સ્યોધોગ ખાતા દ્વારા બોટ દીઠ ફાળવાતા ર૪થી ૩ર હજાર લીટરનો ક્વોટા પુરો થયા બાદ હાલ માત્ર ૩૦થી ૪૦ બોટોને અપાય છે ટોકન : રોજનો હજારો લીટર ડીઝલ ક્યાં પગ કરી જાય છે તેવો સ્થાનિકનો વેદ્યક સવાલ : જીલ્લા પુરવઠા અધિકારી તટસ્થ તપાસ કરાવે તો મસમોટા ગોટાળા બહાર આવે : સ્થાનિક જાણકારોએ વ્યક્ત કર્યો મત
નલિયા - કચ્છઉદય : જખૌ બંદરે માછીમારોના ડીઝલનો કાળો કારોબાર હાલ "હાઈસ્પીડ"માં હોવાની ચર્ચા વચ્ચે મત્સ્યોધોગ ખાતા દ્વારા ફાળવાતા બોટ દીઠ ર૪થી ૩ર હજાર લીટરનો ક્વોટા પુરો થયા બાદ હાલ માત્ર ૩૦થી ૪૦ જેટલી બોટોને જ ટોકન અપાય છે તો રોજનો હજારો લીટર ડીઝલ ક્યાં પગ કરી જાય છે તેની કડક અને નિષ્ઠાવાન જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરાય તો મસમોટા ગોટાળા બહાર આવે તેવી ચર્ચા હાલ જખૌ બંદરે થઈ રહી છે.હાલ ડીઝલની અછત સમગ્ર કચ્છમાં વર્તાઈ રહી છે પરંતુ જખૌ બંદરે ડીઝલની રેલમછેલ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.માછીમારોને સિઝન દરમિયાન ઈંધણની કોઈ અછત ન થાય તે માટે મત્સ્યોધોગ ખાતા દ્વારા બોટ દીઠ ર૪થી ૩ર હજાર લીટર ડીઝલના પાસ ઈસ્યુ કરવામાં આવેલ હતા.આ પાસ મુજબનો ક્વોટા પુરો થઈ ગયા બાદ પણ હાલ ખુલ્લા બજારમાં ડીઝલ વેંચાણ થઈ રહ્યું છે ને તે પણ વગર બીલે તેવી વિગતો બહાર આવી રહી છે. મંડળીના નામે માછીમારોના નામે ડીઝલ તેલ કંપનીઓમાંથી મંગાવી જખૌ બંદર તેનું વેંચાણ થઈ રહ્યું હોવાની માહીતી મળી રહી છે. અન્ય ખાનગી પંપો પર ડીઝલના વાંધા છે અને ખેડુતોને માંડ ર૦૦ લીટર ડીઝલ મળે છે, તો રોજનો હજારો લીટર ડીઝલ જખૌ બંદર કઈ રીતે વંચાઈ રહ્યું છે તેણે અનેક સવાલો ઉભા કર્યા છે. માછીમારોના નામે મંગાવેલ ડીઝલ ક્યાં પગ કરી જાય છે તેવી ચર્ચા થઈ રહી છે.આ વખતે સિઝન દરમિયાન આશરે ૧૧૦૦ જેટલી કચ્છ અને ગુજરાતના અન્ય બંદરોની બોટો માછીમારી માટે જખૌ બંદરે આવી હતી. હાલે ૪૦થી પ૦ જેટલા મોટા ટ્રોલા જેટી ઉપર ક્રેન મારફતે લંગારી દેવાયા છે. અને બીજી બોટો કિનારે લંગારવામાં આવી છે. હાલ મત્સ્યોધોગ ખાતા દ્વારા માત્ર ૩૦ થી ૪૦ જેટલી બોટોને જ માછીમારી માટે દરીયામાં જવા ટોકન આપવામાં આવે છે અને તા. ૩૦ મે સુધી ટોકન બાદ સિઝન પુરી થઈ જશે અને ૧પ ઓગષ્ટે પરત સિઝન શરૂ થશે. હવે નજીવી બોટો જ ફીશીંગ માટે જતી હોય તો રોજનો હજારો લીટર ડીઝલ બોટોના બદલે ક્યાં પગ કરી જાય છે તેની કડક અને ઈમાનદાર જીલ્લા પુરવઠા અધિકારી તપાસ કરે તો મસમોટા ભોપાળ બહાર આવે તેમ છે તેવું જાણકારો જણાવી રહ્યા છે.

Comments