કચ્છના ‘મહાનગરો’ ભરઉનાળે તરસ્યાઃ ભુજ - ગાંધીધામમાં પાણીનો પોકાર
જળસંકટ કે કૃત્રીમ અછત? યા તો પછી નપાના લાપરવાહોની બલીહારી?
ગાંધીધામ-ભુજમાં જળ સંકટઃ નર્મદાના નીર ઘટતા પાલિકાની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હોવાના જવાબાદરો કરી રહ્યા છે લુલાબચાવ : ટેન્કર માટે ૫૦૦થી વધુનું વેઈટિંગ, ટેક્ષપેયરો આવામાં જાયે તો જાયે કહાની સ્થિતીમાં આવી ગયાનો ચિંતાજનક વર્તારો
ગાંધીધામ : ભુજ શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાનાં પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરમાં પાણીની દૈનિક જરૂરિયાત સામે નર્મદાના પાણીના જથ્થામાં થયેલા ઘટાડાને કારણે વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે શહેરમાં ફરી એકવાર ‘ટેન્કરરાજ’ જેવી સ્થિતિ સર્જાઈ છે.જો તંત્રના દાવાની વાત કરીએ તો જરૂરિયાત ૫૫ સ્ન્ડ્ઢ, મળે છે માત્ર ૩૭ સ્ન્ડ્ઢ. ભુજ શહેરની દૈનિક પાણીની જરૂરિયાત અંદાજે ૫૫ એમએલડી (સ્ન્ડ્ઢ) છે. જેની સામે હાલમાં નર્મદા લાઈન મારફતે માત્ર ૩૭ એમએલડી પાણી જ ઉપલબ્ધ થઈ રહ્યું છે. પાલિકા પોતાના ૧૦ બોર દ્વારા વધારાનું ૧૦ એમએલડી પાણી મેળવી કુલ ૪૭ એમએલડી પાણીનું વિતરણ કરી રહી છે. આમ છતાં, ૮ એમએલડીની ઘટને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ૪ થી ૫ દિવસે પાણી મળી રહ્યું છે. બીજીતરફ પાલિકામાં ટેન્કરોનો ભરાવો હોય તેમ ૫૦૦થી વધુ અરજીઓ પેન્ડિંગ બોલી રહી હોવાની સ્થિતી સર્જાયેલી છે. પાણીની અનિયમિતતાને કારણે પાલિકામાં દૈનિક ટેન્કરની નોંધણીનો આંકડો ૮૦ને પાર કરી ગયો છે. પાલિકા પાસે હાલ મર્યાદિત સાધનો હોવાથી રોજના માત્ર ૩૦ થી ૩૫ ફેરા જ પૂર્ણ થઈ શકે છે. આ અસમતુલાને કારણે ટેન્કર માટેનું વેઈટિંગ લિસ્ટ ૫૦૦થી ઉપર પહોંચી ગયું છે. નાગરિકોએ ટેન્કર નોંધાવ્યા બાદ ૭-૭ દિવસ સુધી રાહ જોવી પડી રહી છે, જેને કારણે મજબૂર બનીને લોકોએ ખાનગી ટેન્કર સંચાલકોને મોંઘા ભાવ ચૂકવવા પડી રહ્યા હોવાની પણ સ્થીતી સર્જાયેલી છે. બીજીતરફ નગરપાલિકાના સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર, પાલિકા ૯ ટેન્કરો દ્વારા દૈનિક ૪૦ થી ૪૫ ફેરા કરી રહી છે અને જે વિસ્તારોમાં લાઈન રિપેરિંગ કે અન્ય ટેકનિકલ સમસ્યા છે ત્યાં પ્રાથમિકતા અપાઈ રહી છે. જોકે, બીજી તરફ નર્મદાના નીર છેવાડા સુધી પહોંચાડવાના સરકારી દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા હોય તેમ ગાંધીધામ અને ભુજ જેવા મુખ્ય શહેરોમાં પણ પાણી માટે પોકાર ઉઠ્યો છે.આ તબકકે્ ભુજવાસીઓ અને સ્થાનિક રહીશોની માંગ છે કે નર્મદા વિભાગ સાથે સંકલન સાધીને પાણીનો જથ્થો તાત્કાલિક વધારવામાં આવે જેથી આ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળી શકે.માત્ર જિલ્લા વડામથક ભુજ નહી પણ જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં પણ સ્થિતિ જરાય સારી નથી. પાછલા લાંબા સમયથી ગાંધીધામમાં પાણીની અછત વર્તાઈ રહી છે. નર્મદાના નીર છેવાડા સુધી પહોંચાડવાના દાવાઓ અહીં પોકળ સાબિત થયા છે. ઉદ્યોગોથી ધમધમતા આ શહેરમાં સામાન્ય નાગરિકને પીવાનું પાણી મેળવવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે અથવા ઊંચા ભાવે ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે.એક તરફ સરકાર સીમાવર્તી વિસ્તારો સુધી નર્મદાના પાણી પહોંચાડી દીધાની પીઠ થાબડે છે, ત્યારે બીજી તરફ ભુજ અને ગાંધીધામ જેવા શહેરોમાં પાણીની આ સ્થિતિ તંત્રની પોલ ખોલી રહી છે.

Comments