Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઇંધણની કૃત્રિમ કટોકટી વચ્ચે ઓઇલ-માફિયાઓ   બેફામ : ‘ખાખી’ની ભૂમિકા શંકાના દાયરામાં..!

18 May

કટોકટીમાં કાળાબજારનો ખેલ


ખાખીના અમુક વહીવટદારોની રહેમનજર હેઠળ કાળો કારોબાર? : પુરવઠા વિભાગની કાર્યવાહીએ પોલીસને અરીસો બતાવ્યો : ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ મામલે નિષ્પક્ષ ‘ક્રોસ તપાસ’ કરવામાં આવે. : ભ્રષ્ટ વહીવટદારો અને માફિયાઓ વચ્ચેની કડી તોડવામાં આવે : ગેરકાયદેસર બાયોડીઝલના પોઈન્ટસને કાયમી ધોરણે સીલ કરવામાં આવે’


ગાંધીધામ : એક તરફ સમગ્ર દેશ અને ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી જેવા આવશ્યક ઇંધણની ભારે અછત પ્રવર્તી રહી છે. હાઈવેથી લઈને છેવાડાના વિસ્તારો સુધીના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો અને ‘નો સ્ટોક’ના પાટિયા સામાન્ય નાગરિકોની હાડમારીમાં વધારો કરી રહ્યા છે. પરંતુ, આ સિક્કાની બીજી અને વરવી બાજુ એ છે કે, જ્યારે અધિકૃત પંપો ખાલીખમ છે, ત્યારે તે જ વિસ્તારમાં ઓઈલ માફિયાઓ અને કાળાબજારિયાઓ પાસે ઇંધણનો અખૂટ જથ્થો ક્યાંથી આવે છે?સમગ્ર દેશ સહિત સરહદી જિલ્લા કચ્છમાં હાલ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી જેવા ઇંધણની ભારે અછત સર્જાઈ છે. મુખ્ય માર્ગોથી લઈ છેવાડાના વિસ્તારો સુધી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ કટોકટીની સ્થિતિમાં સામાન્ય જનતા હેરાન પરેશાન છે, ત્યારે બીજી તરફ ઓઇલ માફિયાઓ માટે આ સ્થિતિ ‘આશીર્વાદ’ સમાન સાબિત થઈ રહી હોય તેમ જણાય છે. કચ્છના વિવિધ વિસ્તારોમાં ઇંધણની સંગ્રહખોરી અને કાળાબજારનો ગેરકાયદેસર કાળો કારોબાર ધમધમી રહ્યો છે.વર્તમાન કટોકટીનો ગેરલાભ ઉઠાવીને અમુક અસામાજિક તત્વોએ ઇંધણના સંગ્રહખોરી અને કાળાબજારનો ‘મોટો ધંધો’ શરૂ કર્યો છે. કચ્છના પચમ-ખાવડાથી લઈને વાગડ સુધીના વિસ્તારોમાં બાયોડીઝલના નામે ઝેરી કેમિકલ અને ભેળસેળિયા ઇંધણના પોઈન્ટ્‌સ ઠેર-ઠેર ફૂટી નીકળ્યા છે. જાણકારોનું માનીએ તો, આ બેનામી હેરફેર અને વેચાણ સ્થાનિક પોલીસ એટલે કે ‘ખાખી’ની જાણ બહાર હોય તે અશક્ય છે. ચર્ચા તો એવી પણ છે કે આ ગેરકાયદેસર પોઈન્ટ્‌સમાં કોઈને કોઈ ભ્રષ્ટ વહીવટદારોના આર્થિક હિતો છુપાયેલા છે, જેમના રક્ષણ હેઠળ જ આ બાયોડીઝલના માફિયાઓ બેફામ બન્યા છે.જાણકારોના મતે, કચ્છના સરહદી પટ્ટા અને ખાવડા જેવા વિસ્તારોમાં બાયોડીઝલના નામે ચાલતા પોઈન્ટ્‌સ સ્થાનિક પોલીસની જાણ બહાર હોય તે અશક્ય છે. ચર્ચાઓ મુજબ, પોલીસ તંત્રના અમુક ભ્રષ્ટ ‘વહીવટદારો’ આ બેનામી અડ્ડાઓ સાથે સીધી કે પરોક્ષ રીતે જોડાયેલા છે. આ વહીવટદારોને મળતા હિસ્સાના કારણે જ માફિયાઓ નિર્ભય બનીને બમણા ભાવે ઇંધણનું વેચાણ કરી રહ્યા છે. જ્યારે પણ કોઈ કાર્યવાહીની હિલચાલ થાય છે, ત્યારે આ તત્વોને અગાઉથી જાણ થઈ જતી હોવાથી તેઓ ભૂગર્ભમાં ઉતરી જાય છે. તાજેતરમાં પુરવઠા વિભાગે ખાવડા વિસ્તારમાં દરોડો પાડીને લાખોની કિંમતનો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સફળતાએ પોલીસ તંત્રની કામગીરી સામે મોટા સવાલો ઉભા કર્યા છે. સવાલ એ થાય છે કે જે ગેરકાયદે પ્રવૃત્તિ પુરવઠા વિભાગને દેખાય છે, તે સ્થાનિક પોલીસને કેમ દેખાતી નથી? શું પોલીસ જાણીજોઈને આંખ આડા કાન કરી રહી છે? ?વર્તમાન સ્થિતિનો ગેરલાભ ઉઠાવી માફિયાઓ ઇંધણનો સંગ્રહ કરી રહ્યા છે, જેના કારણે કૃત્રિમ અછત ઉભી થઈ રહી છે. જો આ બેનામી અડ્ડાઓ અને કાળાબજારિયાઓ પર તાત્કાલિક ધોરણે કાયમી પ્રતિબંધ મૂકવામાં નહીં આવે, તો કચ્છમાં ઇંધણનો પુરવઠો સામાન્ય બનાવવો અશક્ય બની રહેશે.કચ્છની જનતા હવે આ મામલે ઉચ્ચ કક્ષાએથી કડક પગલાં લેવાય તેવી અપેક્ષા રાખી રહી છે.


........................

નિર્ભર તંત્રની સામે ઉઠતા તીખા પ્રશ્નો 

૧.તંત્રની ઊંઘઃ જ્યારે અધિકૃત પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ના પાટિયા ઝૂલે છે, ત્યારે બાયોડીઝલના ગેરકાયદે અડ્ડાઓ પર ઇંધણનો જથ્થો ક્યાંથી આવે છે? ૨.ખાખીની ભૂમિકાઃ શું પોલીસ તંત્રના વહીવટદારોની મિલીભગત વગર આવા બેનામી ધંધાઓ ધમધમી શકે ખરા? ૩.પુરવઠા વિરુદ્ધ પોલીસઃ પુરવઠા વિભાગને ગેરકાયદે જથ્થો મળી આવે છે, તો સ્થાનિક પોલીસને કેમ કશું દેખાતું નથી? ૪.કૃત્રિમ અછતઃ શું ઓઈલ માફિયાઓ દ્વારા જાણીજોઈને જથ્થાનો સંગ્રહ કરીને કૃત્રિમ કટોકટી ઊભી કરવામાં આવી છે? ૫. જનતાની હાડમારીઃ કાળાબજારિયાઓબમણા ભાવ વસૂલી રહ્યા છે, ત્યારે સામાન્યનાગરિકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી કોની?

..............................

શું પોલીસ તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો આ ધંધાર્થીઓને 
દરોડાની પૂર્વમાહિતી આપી દે છે?



તાજેતરમાં પુરવઠા વિભાગે ખાવડા વિસ્તારમાં દરોડો પાડીને લાખોનો ગેરકાયદેસર જથ્થો ઝડપી પાડ્યો છે, જે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા પર સીધા સવાલો ઊભા કરે છે. જે કામ સ્થાનિક પોલીસે કરવાનું હતું, તે પુરવઠા વિભાગે કરવું પડ્યું. શું પોલીસ તંત્રના અમુક ભ્રષ્ટ તત્વો આ ધંધાર્થીઓને દરોડાની પૂર્વમાહિતી આપી દે છે? શા માટે હજુ સુધી આ બેનામી અડ્ડાઓ પર કાયમી તાળાં નથી લાગ્યા?


............................

બાયોડિઝલના નામે ચાલતા કાળાબજારનો સંપૂર્ણ સફાયો બોલાવો જ ઘટે


ગાંધીધામ : જ્યાં સુધી આ ઓઈલ માફિયાઓ અને તેમને છાવરતા વહીવટદારોની કડી તોડવામાં નહીં આવે, ત્યાં સુધી સામાન્ય જનતા માટે ઇંધણનો સપ્લાય વ્યવસ્થિત કરવો અશક્ય છે. સંગ્રહખોરો પર કડક કાર્યવાહી અને બાયોડીઝલના નામે ચાલતા કાળાબજારના અડ્ડાઓનો સંપૂર્ણ સફાયો એ જ આ કટોકટીનો એકમાત્ર ઉકેલ છે. જો તંત્ર હજુ પણ ઊંઘતું રહેશે, તો જનતાનો રોષ ફાટી નીકળે તો નવાઈ નહીં.

Comments

COMMENT / REPLY FROM