ભુજ ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ બી.જી. ગોલાણીનો વિદાય સમારોહ યોજાયો
ભુજ - કચ્છઉદય : બહુમાળી ભવન સ્થિત ફેમિલી કોર્ટના પ્રિન્સિપલ જજ બી.જી. ગોલાણીની હિંમતનગર ખાતે બદલી થતા, વિવિધ કર્મચારી સંગઠનો અને સહકારી મંડળીઓ દ્વારા તેમનો ભાવભીનો વિદાય-સન્માન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે કચ્છ જિલ્લા કર્મચારી સંકલન સમિતિ અને વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ જજ શ્રી ગોલાણીની પ્રશંસનીય ન્યાયિક સેવાઓ, સરળ સ્વભાવ અને કાર્યનિષ્ઠાને બિરદાવી હતી. પરંપરાગત શાલ ઓઢાડી તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પોતાના વક્તવ્યમાં શ્રી ગોલાણીએ બહુમાળી ભવન ધિરાણ મંડળીના સંચાલનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. ખાસ કરીને પરિસરમાં ટ્રાફિક વ્યવસ્થા અને ગરીબ અરજદારો માટે પીવાના પાણીના પરબની સુવિધા શરૂ કરવા બદલ તેમણે સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.
બહુમાળી ભવન ખાતે ફરજ પ્રત્યે નિષ્ઠા દાખવનાર ટ્રાફિક હોમગાર્ડ છગનભાઇ ગરોડાનું જજના હસ્તે સન્માનપત્ર આપી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
સમારોહમાં મંડળીના પ્રમુખ શૈલેષ મારૂં, બાબુ આહિર, મંત્રી એમ.આઇ. બાયડ, રાજ્ય ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ અશ્વિન એસ. ગોર, મહામંત્રી હિતેશ ગોર, આઉટસોર્સ પ્રમુખ અને ફોટોગ્રાફર દર્શન મહેતા, પેન્શનર સમિતિના પ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહીલ, કારગિલ વિજેતા સૈનિક ભરત સુથાર તેમજ જગદિશ ચાવડા અને મૂળજી મતિયા, પ્રવિણભાઇ સહિતના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------

Comments