Trending News
સ્થાનિક સમાચાર

કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ડિયા ટ્રેડ ડેવલપમેન્ટ કમિટીના અધ્યક્ષ પદે હેમંત શાહની વરણી

16 May


કેનેડામાં કચ્છનું ગૌરવ


કચ્છના અબડાસાના વરાડિયા ગામના વતની અને વિનીપેગમાં ’મિસ્ટર ઇન્ડિયા’ તરીકે જાણીતા હેમંતભાઇ ભારત-કેનેડા વચ્ચે મજબૂત કરશે આર્થિક સેતુ



ભુજ - કચ્છઉદય : કેનેડામાં સમગ્ર દેશ સ્તરે કાર્યરત પ્રતિષ્ઠિત સંસ્થા કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સ અને તેની વિવિધ શાખાઓ દ્વારા ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય અને આર્થિક સંબંધોને વધુ વેગ આપવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આ હેતુસર સંસ્થા દ્વારા સરકારી પ્રયાસો અને આર્થિક પહેલોને પ્રોત્સાહન આપવા માટે એક સમર્પિત ‘ઇન્ડિયા ટ્રેડ ડેવલપમેન્ટ કમિટી’ની રચના કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ સમિતિના વૈશ્વિક અધ્યક્ષ તરીકે કેનેડાના વિનીપેગમાં સ્થિત જાણીતા બિઝનેસ લીડર અને મૂળ કચ્છના હેમંત એમ. શાહની વરણી કરવામાં આવી છે.
આ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકેલા બિઝનેસ ટાયકૂન હેમંત એમ. શાહના મૂળિયા ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ સાથે જોડાયેલા છે. તેઓ મૂળ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વરાડિયા ગામના વતની છે. તેમના દાદા વર્ષ ૧૯૦૫માં મુંબઈ આવ્યા હતા અને ગુંદરનો વ્યવસાય શરૂ કર્યો હતો, જેને આગળ જતાં તેમના પિતા બાબુ શેઠ ગુંદરવાલાએ વિસ્તાર્યો હતો. જોકે, હેમંત શાહે કૌટુંબિક વ્યવસાયથી અલગ પોતાની મહેનત અને કુશળતાના દમ પર આગળ વધવાનું નક્કી કર્યું હતું અને આશરે પાંચ દાયકા પહેલાં તેઓ કેનેડા સ્થાયી થયા હતા.
હેમંત શાહ મેનિટોબા-ભારત વેપાર ક્ષેત્રે પચાસ વર્ષથી વધુનો ખૂબ જ વ્યાપક અને બહોળો અનુભવ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની વ્યાપારી કુશળતા કૃષિ નિકાસ અંતર્ગત અનાજ તેમજ અન્ય ખેત પેદાશોના વેપાર, માઇનિંગ સાધનો, ભારે મશીનરી અને ઉડ્ડયન ક્ષેત્રે કોર્પોરેટ એરક્રાફ્ટની ખરીદ-વેચાણ સુધી વિસ્તરેલી છે. આ ઉપરાંત શિક્ષણના ક્ષેત્રમાં પણ તેઓ પાયલટ ટ્રેનિંગ અને કૌશલ્ય વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોમાં કાર્યરત છે. તેમણે ભારતના અસંખ્ય યુવાનોને કેનેડામાં પાયલટ બનવાની તાલીમ અપાવીને વૈશ્વિક એરલાઇન્સમાં વ્યાવસાયિક સ્તરે સ્થાયી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
વૈશ્વિક સ્તરે વ્યાપારી હેતુસર સતત પ્રવાસ ખેડતા હેમંત શાહ ભારત અને ઉપખંડની અવારનવાર મુલાકાતો લેતા રહે છે. કેનેડાના વિનીપેગ શહેરમાં ભારત સાથેના વ્યાપારી સંબંધોના મજબૂત સંવર્ધનને કારણે તેઓ "મિસ્ટર ઇન્ડિયા" અથવા તો "મોટા ભાઈ" તરીકે અત્યંત લોકપ્રિય છે. આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા બદલ તેમને વિવિધ ગ્લોબલ બિઝનેસ સમુદાયો અને કેનેડા સરકાર તરફથી મેનિટોબા એક્સપોર્ટ એવોર્ડ સહિતના અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્‌સથી નવાજવામાં આવ્યા છે. કેનેડાના સમગ્ર ગુજરાતી સમાજમાં પણ તેઓ અગ્રણી હરોળનું સ્થાન ધરાવે છે.
પોતાની આ નવી જવાબદારી અંગે ઉત્સાહ વ્યક્ત કરતા હેમંતભાઇએ જણાવ્યું હતું કે, તેઓ ભારત અને કેનેડા બંને દેશોની સરકારો તથા ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે મળીને કામ કરવા માટે આતુર છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપાર અને રોકાણની તકોમાં મોટો વધારો કરવાનો છે. તેઓ ભારતને પોતાની માતૃભૂમિ અને કેનેડાને પોતાની કર્મભૂમિ માનીને બંને દેશોના વિકાસ માટે સમર્પિત છે.
કેનેડિયન હિન્દુ ચેમ્બર ઓફ કોમર્સની આ નવી સમિતિ દ્વારા ભારત અને કેનેડાના ઉદ્યોગ સાહસિકો વચ્ચે એક મજબૂત કડી અને સેતુનું નિર્માણ થશે, જે આગામી સમયમાં બંને દેશોના આર્થિક અને વ્યાપારી વિકાસમાં અત્યંત નિર્ણાયક અને મહત્વની ભૂમિકા ભજવશે. આ હેતુને સિદ્ધ કરવા માટે આગામી દિવસોમાં હેમંત શાહ અને તેમની ટીમ દ્વારા બંને દેશો વચ્ચે વેપારી પ્રતિનિધિમંડળોની આપ-લે અને મોટા પાયે રોકાણલક્ષી કાર્યક્રમો તથા વિવિધ વ્યાપારી સંમેલનોનું આયોજન પણ કરવામાં આવશે.
-------- 

Comments

COMMENT / REPLY FROM