કૃત્રિમ અછત વચ્ચે ગેરકાયદેસર ડિઝલનો મોટો જથ્થો ઝડપી પાડતી પુરવઠા શાખા
૨૦૦૦ લીટર ડિઝલ અને વાહન સહિત રૂ. ૪.૮૬ લાખનો મુદ્દામાલ સીઝ કરાયો : ભુજ-માધાપર હાઇવે પર ઓચિંતું ચેકિંગ હાથ ધરીને તંત્ર દ્વારા સપાટો બોલાવાયો : ખેડૂતો અને કન્ઝયુમર પંપ ધારકો માટે નિયમોનું ચુસ્ત પાલન કરવા વહીવટી તંત્રની તાકીદ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં સાંપ્રત પરિસ્થિતિમાં ડિઝલ અને પેટ્રોલની અછત અંગે વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ સ્થિતિને ધ્યાને રાખીને ભુજ-કચ્છના કલેક્ટર અનિલ રણાવસિયાની સૂચનાથી જિલ્લામાં ગત રાત્રીએ પેટ્રોલપંપો પર તપાસની એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત જિલ્લા પુરવઠા તંત્ર અને મામલતદાર કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે ૩૫ જેટલા પેટ્રોલપંપો પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન જિલ્લા પુરવઠા કચેરી દ્વારા તારીખ ૧૬ મે ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ભુજથી માધાપર હાઇવે જવાના માર્ગે ભુજ બાજુએ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન માધાપર હાઇવે પરથી એક શંકાસ્પદ ટાંકાવાળી ગાડી, જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ૧૨ બીવી ૯૪૬૪ છે, તેને અટકાવવામાં આવી હતી.
તંત્ર દ્વારા આ વાહનની તલાશી લેવામાં આવતા તેમાંથી અંદાજીત ૨૦૦૦ લીટર જેટલો જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ડિઝલનો જથ્થો મળી આવ્યો હતો અને સ્થળ પરથી ડામોર લક્ષ્મણભાઈ નામના સ્થાનિક વ્યક્તિ મળી આવ્યા હતા. પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ દરમિયાન આ ડિઝલના જથ્થા અંગે કોઈ જ પ્રકારના આધાર-પુરાવા કે માન્ય લાયસન્સ રજૂ કરવામાં આવ્યા ન હતા. લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે લઈ જવાતા આ ૨૦૦૦ લીટર ડિઝલના જથ્થા અને બાઉઝર વાહન સહિત કુલ રૂપિયા ૪,૮૬,૫૫૦ ની કિંમતનો મુદ્દામાલ ઘટનાસ્થળે જ સીઝ કરી દેવામાં આવ્યો છે અને આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સામાન્ય નાગરિકો અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે ખાસ અપીલ કરવામાં આવી છે. સરકાર તરફથી ખેડૂતો માટે ૨૦૦ લીટરની મર્યાદામાં જ ડિઝલ મેળવવાની જોગવાઈ કરવામાં આવેલી છે, જેથી કચ્છ જિલ્લાના ખેડૂતોને જરૂરિયાત કરતાં વધુ ડિઝલનો સંગ્રહ ન કરવા વહીવટી તંત્ર દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે. આ ઉપરાંત જે ટ્રાન્સપોર્ટરો કે ઔદ્યોગિક એકમો પોતાનો કન્ઝયુમર પંપ ધરાવે છે, તેઓના વાહનોને રીટેલ પેટ્રોલપંપ ખાતેથી ડિઝલ ન લેવા માટે સરકાર તરફથી અગાઉથી જ સૂચના પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા, ગાંધીનગરના પરિપત્રની જોગવાઈઓનો અનાદર કરીને જો કોઈ પણ કન્ઝયુમર પંપ ધરાવતા ગ્રાહકો રીટેલ પંપ પરથી ડિઝલ મેળવતા ઝડપાશે, તો સંબંધિત રીટેલ પંપ અને કન્ઝયુમર પંપ ધારક બંને સામે સરકારના નિયમોનુસાર કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આપવામાં આવી છે.
----------

Comments