માંડવી નજીકથી ગેરકાયદેસર રેતી ભરેલું ડમ્પર ઝડપાયું
ભુજ - કચ્છઉદય : પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખનીજ ચોરીના દૂષણને ડામવા માટે એક મહત્વની સફળતા મેળવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ અધીક્ષક વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ
ઇન્સ્પેક્ટર એમ.એચ. શીણોલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી, સુરજભાઈ વેગડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી તથા રાજેશભાઈ ગઢવી સહિતનો સ્ટાફ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.પેટ્રોલિંગ દરમિયાન ટીમ ફરતા-ફરતા મોટા લાયજાથી ગોધરા તરફ જતા રોડ પર આવેલી કેનાલ પાસે પહોંચી હતી. ત્યાં રોડ પરથી પસાર થઈ રહેલા એક ટાટા કંપનીના ડમ્પર નંબર જીજે ૦૬ એટી ૫૦૨૫ ને શંકાસ્પદ હાલતમાં અટકાવવામાં આવ્યું હતું. પોલીસ ટીમે ડમ્પરને ઊભું રાખી તપાસ કરતા તેમાં ગેરકાયદેસર રીતે લીઝ કે પાસ પરમીટ વગરની રેતી (ખનીજ) ભરેલી હોવાનું માલૂમ પડ્યું હતું.
પોલીસે વાહન ચાલક હુશેની જુસબ શઠીયા, ઉંમર વર્ષ ૪૫, રહેવાસી ગોધરા પીર ફળિયું, તાલુકો માંડવીની અટકાયત કરીને પૂછપરછ કરી હતી. તેની પાસે રેતી વહન કરવા અંગેના રોયલ્ટી પાસ કે અન્ય કોઈ કાયદેસરના આધાર પુરાવા માંગવામાં આવ્યા હતા, પરંતુ ચાલક પાસે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા નહોતા.
આથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ખનીજ ધારાની કલમ મુજબ ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરને કબ્જે કરીને ડીટેઈન કર્યું હતું. આ મામલે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ સોંપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Comments