અંજારમાં જુગાર પર પોલીસનો સપાટોે : ૧૧ મહિલાઓ ઝડપાઈ
અંજારઃ અંજાર પોલીસ મથકની હદમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે સફળ રેડ પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રહેમતનગર પ્રજાપતિ છાત્રાલય પાસેની શેરીમાં, ખુલ્લી જાહેર જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની ચોક્કસ હકીકત પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસની ટીમે ગઈકાલ તારીખ ૧૫ મે ૨૦૨૬ના રોજ સાંજના આશરે પોણા છ વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસની આ કાર્યવાહી દરમિયાન જુગાર રમતી કુલ ૧૧ મહિલા આરોપીઓ રંગેહાથ પકડાઈ ગઈ હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ મહિલા આરોપીઓ જાહેરમાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રહી હતી. રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગારના સાહિત્ય તરીકે ગંજીપાનાના કુલ ૫૨ નંગ (કિંમત રૂપિયા ૦૦) તેમજ જુગારના પટમાંથી કુલ રોકડા રૂપિયા ૪,૭૮૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલી તમામ મહિલા આરોપીઓ અંજાર, ગાંધીધામ અને આસપાસના સ્થાનિક વિસ્તારોની રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અંજારપોલીસ હેડ કોન્સ્ટેબલ અને તેમની ટીમ દ્વારા આ તમામ મહિલાઓ સામે જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
......................
અંજાર પોલીસની સફળ કામગીરીઃ જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
અંજારઃ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા અંગેની ઝુંબેશ અંતર્ગત પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અજયસિંહ વશનાજી રાજપુત તથા તેમની ટીમને ચોક્કસ ખાનગી બાતમી હકીકત મળી હતી કે અંજાર
પોલીસ સ્ટેશનથી ઉત્તર દિશામાં આશરે બે કિલોમીટર દૂર આવેલા કોલીવાસ નગરપાલિકાની સામે જાહેર જગ્યામાં કેટલાક ઇસમો એકઠા થઈને ગંજીપાનાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બાતમીવાળા સ્થાપ પર પૂર્વ આયોજિત દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા તમામ પાંચેય આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.પોલીસ રેડ દરમિયાન પકડાયેલા શખ્સોની પૂછપરછ અને તપાસ કરતા તેઓની ઓળખ અનવર ઇબ્રાહીમ કુરૈશી (ઉંમર વર્ષ ૪૬, રહેવાસી શાળા નંબર ૧૬ ની બાજુમાં, દબડા, અંજાર), કરીમમામદ ફકીરમામદ ખલીફા (ઉંમર વર્ષ ૪૦, રહેવાસી ઝરૂ, તાલુકો અંજાર), અનવર ફકીરમામદ શેખ (ઉંમર વર્ષ ૩૬, રહેવાસી મદિનાનગર, અંજાર), નિતીન પચાણ મહેશ્વરી (ઉંમર વર્ષ ૩૨, રહેવાસી કોલીવાસ નગરપાલિકાની સામે, અંજાર) અને શંકર ડાયાભાઈ ન્ુહાર (ઉંમર વર્ષ ૪૫, રહેવાસી કાર્ગો યાદવનગર, ગાંધીધામ) તરીકે થઈ હતી. પોલીસે જુગારના પટમાંથી તથા આરોપીઓની અંગઝડતીમાંથી રોકડા
રૂપિયા ૧૦,૧૦૦/- તેમજ અંદાજિત રૂપિયા ૩૦,૦૦૦/- ની કિંમતના કુલ ત્રણ નંગ મોબાઈલ ફોન અને
ગંજીપાનાની બે જોડી મળીને કુલ રૂપિયા ૪૦,૧૦૦/- નો મુદ્દામાલ કાયદેસર રીતે જપ્ત કર્યો હતો અને તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગાર ધારાની કલમ-૧૨ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પકડાયેલા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે, આરોપી નંબર ૧ અનવર ઇબ્રાહીમ, આરોપી નંબર ૨ કરીમમામદ ખલીફા અને આરોપી નંબર ૩ અનવર ફકીરમામદ શેખનો કોઈ પૂર્વ ગુનાહિત ઇતિહાસ રેકોર્ડ પર જણાયેલ નથી. જો કે, આરોપી નંબર ૪ નિતીન પચાણ મહેશ્વરી અગાઉ ગાંધીધામ પૂર્વ, અંજાર અને ગાંધીધામના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં વર્ષ ૨૦૧૮, ૨૦૨૦, ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન મારામારી, ધાક-ધમકી તેમજ જુગાર ધારા હેઠળના અસંખ્ય ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. આ ઉપરાંત આરોપી નંબર ૫ શંકર ડાયાભાઈ લુહાર પણ અગાઉ વર્ષ ૨૦૧૮ માં ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિવિધ ગુનાહિત પ્રકરણોમાં પકડાયેલ હોવાનું પોલીસ રેકોર્ડ પરથી સામે આવ્યું છે. આ સમગ્ર રેડની અને આગળની કાયદેસરની કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ એમ. જાડેજા તથા જીતુભાન ઈશ્વરદાન ગઢવી અને પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

Comments