૧૨ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમને ૧૦ વર્ષની સખત કેદ
ભુજ - કચ્છઉદય : મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ભુજની સ્પેશિયલ પોક્સો કોર્ટે ૧૦ વર્ષની સખત કેદની સજા અને કુલ ૫૮ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો મુજબ, વર્ષ ૨૦૨૪માં જ્યારે સગીરાના માતા-પિતા મજૂરીકામ માટે ગયા હતા, ત્યારે પડોશમાં રહેતા રાહુલ ઉર્ફે કલ્લુ ગોરધન હાડા નામના શખ્સે ઘરમાં ઘૂસી સગીરા સાથે અડપલાં કરી દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મુંદરા પોલીસ મથકે બી.એન.એસ. તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ઠુમ્મર દ્વારા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. ભુજની સ્પેશિયલ અદાલતના જજ જે.એ. ઠક્કર સમક્ષ આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રોસીક્યુશન તરફથી મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહી ધારદાર દલીલો કરી હતી અને ૧૦ દસ્તાવેજી પુરાવાઓ તેમજ ૧૨ સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાને રાખી આરોપી રાહુલને તકસીરવાન ઠેરવ્યો હતો. અદાલતે આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ અલગ-અલગ સજા ફટકારી છે, જેમાં કુલ ૧૦ વર્ષની સખત કેદ અને ૫૮ હજાર રૂપિયાના દંડનો સમાવેશ થાય છે.
આ સાથે અદાલતે માનવીય અભિગમ દાખવતા ભોગ બનનાર સગીરાને ૨ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે ડીએલએસએને ભલામણ કરી છે. વધુમાં, આરોપી દ્વારા ભરવામાં આવતી દંડની રકમ પણ ભોગ બનનારને જ ચૂકવવાનો આદેશ કરાયો છે. સગીરાનું જીવન અને શિક્ષણ ફરીથી સુવ્યવસ્થિત થાય તે માટે અદાલતે સીડબલ્યુસી અને ડીસીપીયુને સગીરાનો સંપર્ક કરી યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા માટે પણ મહત્વનો હુકમ કર્યો છે.
----------

Comments