વાઘાપદ્ધરમાં જમીન ભાડાના ડખ્ખામાં ફેક્ટરી માલિક પર હુમલો
૫.૬૫ લાખની ચોરી અને જાનથી મારી નાખવાની ધમકી અપાતા વાયોર પોલીસમાં ફરિયાદ
ભુજ - કચ્છ ઉદય : અબડાસા તાલુકાના વાઘાપદ્ધર સીમ વિસ્તારમાં જમીન ભાડાના વિવાદમાં ફેક્ટરી માલિક પર જીવલેણ હુમલો કરી ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો સામાન ચોરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા વાયોર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે સિકંદર મીઠુ બાવા પઢિયાર, લાલુભા પઢિયાર, અંકિત અને એક અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરાયો છે. મળતી માહિતી મુજબ, ફરિયાદી રાકેશ તરસેનલાલ જોષીએ આરોપી સિકંદર મીઠુ પઢિયાર પાસેથી જમીન ભાડે રાખી ફેક્ટરી શરૂ કરી હતી. ઓક્ટોબર ૨૦૨૫માં ભાડા પેટેના નાણાં બાબતે વિવાદ સર્જાયો હતો. આરોપી સિકંદર પઢિયાર, લાલુભા પઢિયાર અને અન્ય એક શખ્સે ફેક્ટરી પર આવી ગાળાગાળી કરી રાકેશભાઈ પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન આરોપીએ રાકેશભાઈના માથામાં માથું ભટકાવતા તેમની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હુમલા બાદ જ્યારે ફરિયાદી બીમારીના કારણે પંજાબ ગયા હતા, ત્યારે આરોપીઓએ તેમની ગેરહાજરીનો લાભ લઈ ફેક્ટરીમાં પ્રવેશ કર્યો હતો. આરોપીઓએ ફેક્ટરીમાં પડેલો અંદાજે રૂ. ૫,૬૫,૪૭૭ની કિંમતનો રો-મટીરીયલનો જથ્થો ગાડીઓમાં ભરીને બારોબાર વેચી દીધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં, હુમલા બાદ સમાધાન કરવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી ૪ લાખ રૂપિયાની માંગણી કરી હતી, જે પૈકી રાકેશભાઈએ અલગ-અલગ તારીખે કુલ ૪ લાખ રૂપિયા ટ્રાન્સફર પણ કર્યા હતા. તેમ છતાં આરોપીઓએ ફેક્ટરી ચાલુ કરવા દીધી ન હતી અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું હતું. આ અંગે રાકેશ તરસેનલાલ જોષીએ વાયોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Comments