ગાંધીધામ એ-ડીવીજન પોલીસનો સપાટો : નશાના કારોબાર પર મોટો પ્રહાર : ગાંજાનો જથ્થો ઝડપાયો
ગાંધીધામઃ પૂર્વ કચ્છ-ગાંધીધામના પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ મથકની ટીમ સતત કાર્યરત છે, જે અંતર્ગત બાતમીના આધારે હાથ ધરવામાં આવેલી એક મહત્વની કાર્યવાહીમાં ગાંજાના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ બનાવની વિગતો મુજબ, ગત તા. ૧૪/૦૫/૨૦૨૬ના રોજ રાત્રિના ૨૧/૧૦ વાગ્યાની આસપાસ ગાંધીધામના ડીબીઝેડ-નોર્થ વિસ્તારમાં આવેલા એક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પ્લોટ નં-૮/એ, ગ્રાઉન્ડ ફ્લોરના રૂમ નં-૦૨માં રહેતા ૩૫ વર્ષીય બલીન્દ્ર છોટેસિંહ ભદોરીયા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપી મૂળ મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મૌરા ગામનો વતની હોવાનું તપાસમાં ખુલ્યું છે.પોલીસ દ્વારા મકાનની તલાશી લેતા ત્યાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો ૩.૭૮૮ કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે રૂ. ૩૭,૮૦૦/- આંકવામાં આવી છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો મળી કુલ રૂ. ૧,૯૭,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ નશીલો પદાર્થ ‘કાકા’ નામના એક શખ્સ પાસેથી વેચાણ અર્થે મેળવવામાં આવ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન મુખ્ય આરોપી બલીન્દ્ર ભદોરીયા સ્થળ પરથી હાજર મળી આવ્યો હતો, જ્યારે સહ-આરોપી કાકા હાજર મળી આવ્યો ન હતો. આ મામલે ગાંધીધામ ‘એ’
ડિવિઝન પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી પી.એસ.આઈ. જે.ડી. પરમાર અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર
પાડવામાં આવી છે.

Comments