જિલ્લામાં વસ્તી ગણતરી તાલીમનો સમય સવારનો કરાયો
નિવાસી અધિક કલેકટરે તમામ તાલુકાના મામલતદારો અને નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને સૂચના આપી
ભુજ - કચ્છઉદય : ૧ જૂનથી કચ્છમાં વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઇ રહ્યો છે જેના અનુસંધાને હાલ કચ્છના વિવિધ તાલુકાઓમાં વસ્તી ગણતરી અંતર્ગત સુપરવાઈઝર અને ગણતરીદારોની પ્રથમ તબક્કાની તાલીમ ચાલુ છે. આગામી સમયમાં બીજા અને ત્રીજા તબક્કાની પણ તાલીમ યોજાનાર છે ત્યારે વસ્તી ગણતરીની કામગીરીમાં બીએલઓ અશક્ત શિક્ષકો, ધાત્રી માતાઓ સહિતનાઓને આ કામગીરીમાં મુક્તિ આપવા, હિટવેવને લીધે તાલીમનો સમય સવારનો રાખવા, વેકેશન તાલીમની નિયમાનુસાર પ્રાપ્ત, વળતર રજા આપવા સહિતના પ્રશ્ને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજા અને રાજ્યસંઘના કાર્યાધ્યક્ષ હરિસિંહ જાડેજાની આગેવાની હેઠળ જિલ્લાના પ્રતિનિધિ મંડળે કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ ( જી.એ.એસ.)ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં બી.એલ.ઓ. અશક્ત કર્મચારીઓ, ધાત્રી માતાઓ, નિવૃતિની આરે પહોંચેલા કર્મચારીઓને આ કામગીરીમાંથી મુક્તિ આપવા સાથે હાલની કાળઝાળ ગરમીને ધ્યાનમાં લઈને તાલીમનો સમય સવારનો કરવા માંગ કરી હતી. અધિક કલેક્ટર શ્રી ચૌહાણે સંગઠનની રજૂઆત પ્રત્યે હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ઘટતું કરવા ખાતરી ઉચ્ચારી હતી અને તેમણે તાત્કાલિક પત્ર કરી તમામ તાલુકાના મામલતદારો અને નગરપાલિકાઓના મુખ્ય અધિકારીઓને પત્ર લખીને તાલીમનો સમય સવારનો રાખવા તેમજ જો અન્ય કર્મચારીઓ ઉપલબ્ધ હોય તો બી.એલ.ઓ. ને તેમજ જેમના નાના બાળકો છે તેવી મહિલા કર્મચારીઓને શક્ય હોય ત્યાં સુધી મુક્તિ આપવા સૂચના આપી છે. નિવાસી અધિક કલેક્ટરની સૂચનાના પગલે તમામ તાલુકાઓમાં તાલીમનો સમય સવારનો કરી દેવાયો છે અને બી.એલ.ઓ. ઉપરાંત જેમના વાસ્તવિક કારણો છે તેમને આ કામગીરીમાંથી મુક્તિ આપવા અરજીઓ પણ મંગાવાઈ છે. તાલુકા મથકોએ તાલીમમાં જ્યાં ચા - પાણી અને જમવાની સુવિધા નથી થઈ શકી ત્યાં કર્મચારીઓને નિયમાનુસારનું ભથ્થું મળવા પાત્ર થાશે. દરમ્યાન શિક્ષક સંઘના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને ઘનશ્યામસિંહ જાડેજાએ ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારને રૂબરૂ મળીને કલેક્ટરના પત્રના આધારે હેડ ક્વાર્ટર ન છોડવાનો જિલ્લાનો પત્ર કરવા રજૂઆત કરી છે. પત્ર થયેથી વસ્તી ગણતરી કાર્યમાં રોકાયેલા તમામ શિક્ષકોને વેકેશન કામગીરીની નિયમાનુસારની પ્રાપ્ત-વળતર રજા મળશે.
---------

Comments