ભુજને ફરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવા પ્રધાનમંત્રીને રજૂઆત
ગ્લોબલ કચ્છ ફેડરેશનની માંગ : વૈશ્વિક કચ્છી સમાજ, પ્રવાસન અને ઉદ્યોગ વિકાસ માટે સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા જરૂરી
ભુજ - કચ્છઉદય : કચ્છના સર્વાંગી વિકાસ, વૈશ્વિક કનેક્ટિવિટી અને વિશ્વભરના કચ્છીઓની લાંબા સમયથી ચાલી આવતી લાગણીને ધ્યાનમાં રાખીને ગ્લોબલ કચ્છ ફેડરેશનના ચેરમેન અનિલ ગોર દ્વારા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય વિમાનમથક ફરી કાર્યરત કરવા લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ભૂકંપ પછી કચ્છમાં થયેલો વિકાસ આજે દેશ માટે આદર્શ મોડેલ બની ગયો છે. વિશ્વના આશરે ૧૯૨ દેશોમાં વસતા કચ્છીઓ વેપાર, ઉદ્યોગ અને સેવાકીય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે અને લાંબા સમયથી ભુજથી સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ કરવાની માંગ ઉઠાવી રહ્યા છે.
કચ્છ ફેડરેશન દ્વારા રજૂઆતમાં કચ્છના વિકસતા પ્રવાસન ક્ષેત્રનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધોરડોના સફેદ રણ ખાતે યોજાતો રણોત્સવ, સ્મૃતિવન, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, માંડવી અને નારાયણ સરોવર જેવા પ્રવાસન સ્થળોએ દર વર્ષે મોટી સંખ્યામાં દેશી-વિદેશી પ્રવાસીઓ આકર્ષાય છે. તેમ છતાં સીધી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ન હોવાને કારણે પ્રવાસીઓ અને એનઆરઆઈ કચ્છીઓને મુંબઈ અથવા અમદાવાદ મારફતે ભુજ પહોંચવું પડે છે.
મસ્કત સ્થિત ગ્લોબલ કચ્છ ફેડરેશનના ડાયરેક્ટર કાનજીભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે ઓમાન, મસ્કત તથા ગલ્ફ દેશોમાં વસતા કચ્છીઓ વેકેશન અને વીકએન્ડ દરમિયાન કચ્છ આવવા માંગે છે, પરંતુ સીધી ફ્લાઈટના અભાવે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગલ્ફ દેશોથી ભુજ સુધી સીધી ફ્લાઈટ શરૂ થાય તો લોકો માત્ર દોઢ કલાકમાં કચ્છ પહોંચી શકશે. ભુજથી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા શરૂ થવાથી દેશ-વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને પણ લાભ મળશે. યુરોપ, આફ્રિકા અને અખાતી દેશોમાં વસતા કચ્છીઓ માટે પણ આ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. લીડ બેંકની માહિતીનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે કચ્છ જિલ્લાના એનઆરઆઈઓની અંદાજે રૂા. ૧૭ હજાર કરોડથી વધુની થાપણ રકમ વિવિધ બેંકોમાં જમા છે. નવી પેઢીનું માતૃભૂમિ કચ્છ સાથેનું જોડાણ જળવાઈ રહે તે માટે આધુનિક આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી અત્યંત જરૂરી બની છે. જો આ જોડાણ નબળું પડશે તો ભવિષ્યમાં આર્થિક અસર ઊભી થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
લંડન સ્થિત ડાયરેક્ટર કુંવરજીભાઈ કેરાઈએ જણાવ્યું હતું કે એર કાર્ગો સેવા શરૂ થાય તો કચ્છની કેસર કેરી, કમલમ ફળ, મસાલા, હેન્ડીક્રાફ્ટ સહિતના સ્થાનિક ઉત્પાદનોની સીધી નિકાસને પ્રોત્સાહન મળશે. સાથે જ કચ્છમાં વિકસેલા મોટા ઉદ્યોગોને પણ આંતરરાષ્ટ્રીય હવાઈ કનેક્ટિવિટીનો લાભ મળશે.
ગ્લોબલ કચ્છ ફેડરેશનના ડાયરેક્ટર સચિનભાઈ નાકરેએ ભુજ એરપોર્ટની માળખાકીય સુવિધાઓનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે હાલમાં આધુનિક ટર્મિનલ બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે, જેમાં આશરે ૧૨૦૦ મુસાફરોને એકસાથે સંભાળવાની ક્ષમતા રહેશે. ભુજ એરપોર્ટનો ૨૭૬૨.૫ મીટર લાંબો રનવે બોઈંગ - ૭૭૭ જેવા વિશાળ વિમાનોના સંચાલન માટે પણ સક્ષમ છે. ભૂકંપ સમયે મોટા રાહત વિમાનો તથા અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના “એર ફોર્સ વન” વિમાનનું સફળ લેન્ડિંગ પણ અહીં થઈ ચૂક્યું હોવાનું તેમણે યાદ અપાવ્યું. વધુમાં જણાવ્યું હતું કે શ્રીનગર, અમૃતસર, ચંદીગઢ અને જયપુર જેવા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા એરપોર્ટો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે સફળતા પૂર્વક કાર્યરત છે. તે જ રીતે પશ્ચિમ ભારતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને વૈશ્વિક એનઆરઆઈ જોડાણ ધરાવતા કચ્છ-ભુજને પણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકસાવવાની આવશ્યકતા છે.
ડિફેન્સ એરપોર્ટ સાથે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત ન રહી શકે તેવી માન્યતા ભ્રામક છે. વર્ષ ૧૯૭૦ સુધી ભુજ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય દરજ્જો ધરાવતું હતું, પરંતુ ૧૯૭૧ના યુદ્ધ બાદ તે બંધ કરવામાં આવ્યું હતું. હવે ફરી ભુજને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવામાં આવે તો તે કચ્છ જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતના વેપાર, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ માટે લાભદાયી બનશે.
ચેરમેન અનિલ ગોરે જણાવ્યું હતું કે ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન તથા ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા સતત વિવિધ સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે આજે ભુજ-મુંબઈ વચ્ચે બે ફ્લાઈટ અને ભુજ-દિલ્હી વચ્ચે એક ફ્લાઈટ સેવા ઉપલબ્ધ બની છે. હાલમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુવિધાના અભાવે વિદેશી પ્રવાસીઓ અને એનઆરઆઈ કચ્છીઓ કચ્છ સુધી સરળતાથી પહોંચી શકતા નથી. જો ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત થાય તો વિદેશી રોકાણકારો, ઉદ્યોગકારો અને એનઆરઆઈ સમાજ માટે નવા દ્વાર ખુલશે તેમજ સ્થાનિક રોજગારી અને અર્થતંત્રને નવી ગતિ મળશે.સાથે ગ્લોબલ કચ્છ ફેડરેશન દ્વારા પ્રધાનમંત્રીને સકારાત્મક નિર્ણય લેવા તથા રૂબરૂ રજૂઆત માટે સમય ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે.
-------

Comments