સાવકા પિતાએ ૨ વર્ષની બાળકીને બીડીના ડામ દીધા, બટકા ભર્યા અને દિવાલે માથું પછાડ્યું
માતાએ પણ દીકરીને બચાવવાને બદલે રાક્ષસી કૃત્યમાં સાથ આપ્યોઃ માધાપરની ઘટનામાં દંપતી સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો
ભુજ : તાલુકાના માધાપર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. લોહીના સબંધોની મર્યાદા નેવે મૂકીને એક સાવકા પિતા અને સગી માતાએ મળીને ૨ વર્ષની માસૂમ બાળકી પર એવો અત્યાચાર ગુજાર્યો છે કે સાંભળનારના રૂંવાડા ઉભા થઈ જાય.આ બાબતે માધાપર પોલીસ મથકે નોંધાયેલી વિગતો મુજબ, આરોપી સાવકા પિતા અને સગી માતાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી માસૂમ બાળકીને જાનથી મારી નાખવાના ઈરાદે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી. આરોપી સાવકા પિતા ઇરફાને (નામ બદલાવ્યું છે) બાળકીને પકડીને તેનું માથું દીવાલ સાથે જોરથી ભટકાવ્યું હતું, જેના કારણે માસૂમને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી એટલું જ નહીં, આરોપીએ બાળકીને બીડીના ડામ દીધા હતા અને બટકા પણ ભર્યા હતા. આ જઘન્ય અપરાધમાં સગી માતાએ પણ પુત્રીને બચાવવાને બદલે તેને માર મારીને આરોપી પતિનો સાથ આપ્યો હતો. માધાપર પોલીસે આ મામલે અત્યંત ગંભીર વલણ અપનાવ્યું છે. પોલીસે બંને આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, પોક્સો, જાતીય ગુનાઓ સામે બાળકોનું રક્ષણ, બાળકો પ્રત્યે ક્રૂરતા વગેરે કલમો મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ ઘટના સમાજમાં એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ખડો કરે છે. "મા" કે જેને વાત્સલ્યની મૂર્તિ માનવામાં આવે છે, તે પણ જ્યારે પોતાના સ્વાર્થ કે બીજા પતિના કહેવાથી સગી દીકરી પર અત્યાચાર ગુજારે, ત્યારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે વિચારવું અનિવાર્ય બન્યું છે.

Comments