ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ
ગાંધીધામઃઆજે ગાંધીધામ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન સંકુલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ સ્થળે આગની ઘટનાને પગલે વહીવટી તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.પ્રાથમિક વિગતો મુજબ, પોલીસ સ્ટેશનમાં લાગેલી આ આગ પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અચાનક લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે કચેરીના કામકાજ અને ત્યાં હાજર લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરો દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સદનસીબે, સમયસર કામગીરી હાથ ધરવામાં આવતા મોટી હોનારત ટળી હતી. હાલમાં પોલીસ તંત્ર અને ફાયર વિભાગ દ્વારા આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ મેળવવાની તેમજ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments