પૂર્વ કચ્છમાં સિલિન્ડરના કાળા બજારીયાઓને ઘી-કેળા.!
ઈંઘણ કટોકટી બાદ હવે ગેસની અછત
બજારમાં સર્જાયેલી કૃત્રિમ અછતનો લાભ ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો સિલિન્ડરના નિયત ભાવ કરતા બે ગણા ભાવ વસૂલી રહ્યા છે’
ગાંધીધામમાં સ્થાનિક પુરવઠા વિભાગ અંધારામાં કે પછી બેખબર, કે કરી રહ્યુ છે આંખમિંચામણા? : ગેસની એજન્સીઓ નો સ્ટોકના પાટીયા લગાવી રહી છે ત્યારે બીજીતર કાળા બજારીને ડામવાના સમ ખાવા પુરતા પણ કેમ કયાંય નથી પગલા લેવાયેલા દેખાતા? જાણકારોનો સવાલો પોલીસ તંત્ર પણ કેમ કુંભકીં નીંદ્રામાં ઘોરી રહયું છે ?
ગાંધીધામ : મિડલ ઈસ્ટ યુદ્ધના ભણકારા ફરી ગાજી રહ્યા છે, વડાપ્રધાને ઈંધણ સહિતની વસ્તુઓ કરકસર યુકત ઉપયોગ કરવાની અપીલ કરી છે ત્યારે હવે ઈંધણ-ડીઝલ બાદ પૂર્વ કચ્છમાં રેશનીંગ સિલિન્ડરને લઈને પણ અછતની સમસ્યાઓ સર્જાતી જોવાઈ રહી હોવાનો વર્તારો ઉભો થયો છે.એક તરફ
પેટ્રોલ-ડીઝલના રાશનિંગના સમાચાર અને બીજી તરફ ઈંધણની સતત વધતી અછત વચ્ચે કચ્છ જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. ખાસ કરીને ગાંધીધામ અને આદિપુર સંકુલમાં પાછલા કેટલાક સમયથી સ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહીં કેટલીક ગેસ એજન્સીઓ પર ‘નોન સ્ટોપ’ ના પાટીયા ઝૂલી રહ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઈંધણના સંકટની સાથે હવે ઘરેલું ગેસ સિલિન્ડરમાં પણ અછત વર્તાતા સામાન્ય પ્રજાની મુશ્કેલીમાં બેવડો વધારો થયો છે.વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે સપ્લાય કરનારાઓ અને એજન્સી સંચાલકો જ જાણે છે, પરંતુ આ કટોકટીની આડમાં કાળાબજારી કરનારા તત્વોને છૂટો દોર મળી ગયો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જાણકારોના મતે, બજારમાં સર્જાયેલી કૃત્રિમ અછતનો લાભ ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો સિલિન્ડરના નિયત ભાવ કરતા બે ગણા ભાવ વસૂલી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક રીતે પિસાઈ રહ્યા છે.એક બાજુ કેરળ જેવા રાજ્યોમાં ઈંધણના રાશનિંગના નિયમો જાહેર થઈ રહ્યા છે, ત્યારે કચ્છમાં નિયંત્રણના અભાવે કાળાબજારી કરનારા તત્વો બેફામ બન્યા છે. જ્યાં સુધી તંત્ર દ્વારા આવા તત્વો પર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે અને વિતરણ વ્યવસ્થા પારદર્શક નહીં બનાવાય, ત્યાં સુધી સરકારની કાગળ પરની વ્યવસ્થાઓ પ્રજા સુધી પહોંચવી મુશ્કેલ છે. સ્થાનિક રહીશોની માંગ છે કે પુરવઠા વિભાગ તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે અને ગાંધીધામ-આદિપુર સંકુલમાં ઈંધણ તથા સિલિન્ડરની રાબેતા મુજબની વ્યવસ્થા પુનઃ સ્થાપિત કરે.
......................
ગાંધીધામ-આદિપુરમાં અમુક ગેસ એજન્સીઓએ લગાવ્યા ‘નો સ્ટોક’ના બોર્ડ
સિલિન્ડર માટે ગ્રાહકોની લાંબી કતારો છતાં ખાલી હાથે પરત ફરવાનો વારો ઓનલાઇન બુકિંગ બાદ પણ સમયસર સપ્લાય નહીં મળતા લોકોમાં રોષ
ગાંધીધામ : ગાંધીધામ-આદિપુર વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલની અછત બાદ હવે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરની સમસ્યાએ પણ માથું ઉંચક્યું છે. આદિપુરની અનેક ગેસ એજન્સીઓ બહાર અચાનક ‘નો સ્ટોક’ના બોર્ડ લગાવી દેવામાં આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. સવારથી જ સિલિન્ડર લેવા માટે
પહોંચેલા લોકોને સ્ટોક ખૂટ્યો હોવાનું કહી પરત મોકલવામાં આવતા લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.ખાસ કરીને
ગૃહિણીઓમાં ચિંતા વધતી જોવા મળી રહી છે, કારણ કે ગેસ વિના રસોડાની કામગીરી ખોરવાઈ ગઈ છે. અનેક ગ્રાહકોએ ઓનલાઇન બુકિંગ કરાવ્યા હોવા છતાં સમયસર ડિલિવરી ન મળતી હોવાની ફરિયાદ ઉઠાવી છે.
કેટલાક વિસ્તારોમાં તો બુકિંગ કર્યા બાદ પણ કેટલાંક દિવસથી સિલિન્ડર મળ્યા નથી.એજન્સીઓ પર સ્ટોક નહીં હોવાના કારણે લોકો વારંવાર ધક્કા ખાઈ રહ્યા છે. ઉનાળાની ગરમી વચ્ચે લાંબી કતારોમાં ઉભા રહેવું
પડતું હોવાથી મહિલાઓ અને વડીલોએ પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણ અને હવે ગેસની અછતને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. લોકો તંત્ર પાસે વહેલી તકે પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યા છે.

Comments