હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે : રેડ એલર્ટમાં કેવી રીતે રાખશો કાળજી ?
ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ : આટલા ઉપાયો અજમાવી આ ઉનાળે “લૂ”ને મ્હાત આપો અને તમારા પરિવારને સુરક્ષિત રાખો
ભુજ - કચ્છઉદય : ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે, લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળામાં ગરમીને ધ્યાને રાખીને હવામાન વિભાગ દ્વારા જ્યારે પણ ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવે, તે સમયાગળો માત્ર ગરમી નહિ, પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે. આ કાળઝાળ ગરમીમાં તમામ વયના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શિકામાં જણાવેલા પગલાઓ અચૂક લેવા જોઈએ.
દિવસ દરમિયાન તરસ ન લાગે તો પણ દર ૨૦-૩૦ મિનિટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીતા રહો. પાણી ઉપરાંત છાશ, નારિયેળ પાણી અથવા લીંબુ અને વરીયાળીના શરબત જેવા કુદરતી પીણા લેતા રહો, જે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જાળવી રાખશે, હળવા રંગના, સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો, તાજો અને પચવામાં હળવો ખોરાક જ આહાર તરીકે લો. વધુ પડતા પ્રોટીનયુક્ત, મસાલેદાર, તળેલા કે વાસી ખોરાકથી બચો. કાચી ડુંગળી અને કાકડી તરબૂચ, ટેટી જેવા પાણીથી ભરપૂર ફળોનું સેવન કરો, શક્ય હોય ત્યાં સુધી બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન સીધા સૂર્યપ્રકાશમાં બહાર જવાનું ટાળો. જો નીકળવું જ પડે, તો માથું અને કાન રૂમાલથી ઢાંકેલા હોવા જોઈએ.
બાળકો અને નવજાતને સીધા તડકાથી બચાવો. વારંવાર પાણી કે પ્રવાહી આપતા રહો. તેમને ક્યારેય બંધ પાર્ક કરેલી ગાડીમાં એકલા ન છોડો, જે પણ વૃદ્ધ અને બીમાર વ્યક્તિને બીપી, ડાયાબિટીસ કે હૃદયની બીમારી છે, તેમને ઠંડકવાળા વાતાવરણમાં જ રાખવા. તબિયતમાં થોડો પણ ફેરફાર જણાય તો તાત્કાલિક ધોરણે નજીકના ડૉક્ટરનો સંપર્ક કરવો, કામદારો અથવા શ્રમિકોએ બપોરના સમયે ભારે શારીરિક શ્રમ ટાળવો. કામના સ્થળે શેડ અને પીવાના પાણીની વ્યવસ્થા રાખવી, મુસાફરોએ લાંબી મુસાફરી દરમિયાન પોતાની સાથે પાણીની બોટલ અને પ્રાથમિક સારવારની કીટ અવશ્ય સાથે રાખવી આવશ્ય છે.
દિવસના સમયે બારી-બારણાં બંધ રાખીને ઘેરા રંગના પડદા લગાવો જેથી ગરમી અંદર ન આવે. સાંજે અને રાત્રે બારીઓ ખુલ્લી રાખો જેથી ઠંડી હવા અંદર આવી શકે, ધાબા પર સફેદ ચૂનો અથવા હીટ રિફ્લેક્ટિવ પેઇન્ટ લગાવવાથી પણ ઘરના તાપમાનમાં ઘટાડો કરી શકાય છે.
તમારા ઘરની બહાર પક્ષીઓ માટે કુંડા અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી, જો રસ્તા પર કોઈ વ્યક્તિ ગરમીથી બેભાન અવસ્થામાં જણાય, તો માનવતાના ધોરણે તેમને મદદ કરવી, ગામડામાં રહેતા લોકોએ પશુઓને સુરક્ષિત અને ઠંડી જગ્યાએ રાખવા તથા તેમના માટે પાણીની પૂરતી વ્યવસ્થા રાખવી. શક્ય હોય તો ગાય-ભેંસો માટે પંખાની પણ વ્યવસ્થા કરવી. હીટવેવથી હારવાનું નથી, લડવાનું છે. એક વાત જરૂરથી યાદ રાખવી કે, સાવચેતી એ જ શ્રેષ્ઠ ઈલાજ છે. ગરમીને હળવાશથી ન લો અને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરો.
-----
રેડ એલર્ટ એટલે શું ?
રેડ એલર્ટનો અર્થ છે કે, ગરમી હવે માત્ર અગવડતા નથી, પણ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે. આ સમયે હીટ સ્ટ્રોકની શક્યતા સૌથી વધુ હોય છે. જ્યારે તાપમાન પારો ૪૫ ડિગ્રીને પાર કરે અથવા અત્યંત ગંભીર સ્થિતિ હોય ત્યારે, અત્યંત જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળો. દિવસમાં બે વાર ઠંડા પાણીથી સ્નાન કરો. ઘરની બારીઓ પર પડદા રાખો અને ઘરને ઠંડુ રાખો. ઓઆરએસનું દ્રાવણ ઘરે વસાવો. ડીહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તુરંત તેનો ઉપયોગ શરૂ કરો.
-----
હીટ સ્ટ્રોક અથવા લૂ લાગવાના લક્ષણો
• ખૂબ ઊંચો તાવ આવવો
• માથામાં અસહ્ય દુખાવો અને ચક્કર આવવા
• ઊબકા કે ઉલટી થવી
• ત્વચા લાલ, ગરમ અને સૂકી થઈ જવી
હીટ સ્ટ્રોક અથવા લૂ લાગ્યા બાદનો પ્રાથમિક ઉપચાર
• અસરગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ લઈ જવો.
• શરીર પર ઠંડા પાણીના પોતાં મૂકવા.
• જો વ્યક્તિ ભાનમાં હોય, તો તેને ધીમે-ધીમે પાણી અથવા ઓઆરએસ પીવડાવવું.
• તુરંત ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવી અથવા વ્યક્તિને નજીકના દવાખાને ખસેડવો
-------

Comments