કચ્છમાં ઔદ્યોગિક વસાહતમાં વારંવાર લાગતી આગની ઘટનાઓ બાદ પોલીસ કાર્યવાહી સામે સવાલો
ચોપડવાના અગ્રીકાંડમાં ‘ટકાવારી’ના વહેમમાં ભીનું સંકેલવાનો પ્રયાસ? : પોલીસ સર્ટિફિકેટ અને ક્લિયરન્સ પ્રક્રિયા શંકાના ઘેરામાં : ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અંગે સ્થાનિકોમાં ઉગ્ર રોષ : તટસ્થ તપાસની ઉઠતી માંગ
ભચાઉ - કચ્છઉદય : કચ્છના ઔદ્યોગિક વિસ્તારમાં સમયાંતરે બનતી આગની ગંભીર ઘટનાઓએ હવે વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ વિભાગની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને ચોપડવાના અગ્નિકાંડ બાદ પોલીસ દ્વારા આપવામાં આવતા સર્ટિફિકેટ અને ક્લિયરન્સની પ્રક્રિયા અત્યંત શંકાસ્પદ જણાતા સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. લોકમુખે થતી ચર્ચાઓ મુજબ, કચ્છના ઔદ્યોગિક વિસ્તારોમાં અવારનવાર થતાં આ અકસ્માતો પાછળ કોઈ મોટું કૌભાંડ હોઈ શકે છે અને તપાસ દરમિયાન ‘ટકાવારી’ ના આધારે મામલાઓને રફેદફે કરી દેવાના પદ્ધતિસરના પ્રયાસો થઈ રહ્યા હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે.
ઔદ્યોગિક એકમોમાં જ્યારે આગ લાગે છે ત્યારે કરોડો રૂપિયાના નુકસાનના દાવા કરવામાં આવતા હોય છે. આ વીમા પ્રક્રિયામાં પોલીસ સર્ટિફિકેટ એક મહત્વનો દસ્તાવેજ સાબિત થાય છે, પરંતુ જે રીતે તપાસના નામે માત્ર ફાઈલ આધારિત કામગીરી કરવામાં આવે છે તે જોતા ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો પોલીસ અને ફોરેન્સિક વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ થતી હોય તો ચોક્કસ પ્રકારની ફેક્ટરીઓમાં જ વારંવાર આગ કેમ લાગે છે? જવાબદાર માલિકો સામે કડક પગલાં ભરવાને બદલે તેમને છાવરવામાં કોનો સ્વાર્થ છે તે પણ એક તપાસનો વિષય બન્યો છે.
આગની ઘટના બાદ થતી તપાસમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. શું ખરેખર આગ લાગ્યા બાદ પ્લાન્ટમાં રહેલા વાસ્તવિક સ્ટોકની ગંભીરતાથી ચકાસણી કરવામાં આવે છે? જીએસટી, ઈ-વે બિલ અને ખરીદી-વેચાણના જૂના રેકોર્ડ્સ સાથે સ્થળ પરની સ્થિતિની સરખામણી કરવામાં આવે છે કે કેમ તે અંગે પણ રહસ્ય અકબંધ છે. સામાન્ય રીતે પોલીસ સર્ટિફિકેટ ઇસ્યુ કરતા પહેલા ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અને ટેકનિકલ એક્સપર્ટ્સના રિપોર્ટની રાહ જોવી અનિવાર્ય હોય છે, પરંતુ આ કેસોમાં ઉતાવળે ક્લિયરન્સ આપી દેવાની પ્રથા પાછળના કારણો જનતા સમજી શકતી નથી.
વધુમાં, ઉચ્ચ સ્તરના અધિકારીઓ સુધી ઘટનાની સાચી અને પારદર્શક માહિતી પહોંચાડવામાં આવતી નથી તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. અસરકારક અને સ્થળ તપાસના બદલે માત્ર કાગળ પર કાર્યવાહી કરીને ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે. સતત બનતી આવી ઘટનાઓ અને તેમાં તંત્રની શિથિલતાને કારણે લોકોમાં ઉભી થયેલી શંકાઓના નિવારણ માટે હવે સમગ્ર પ્રક્રિયાની કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.
સ્થાનિક લોકોની સ્પષ્ટ માંગ છે કે ચોપડવા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલા તમામ અગ્નિકાંડ સંબંધિત પોલીસ સર્ટિફિકેટ, એન.ઓ.સી. અને એફ.એસ.એલ. રિપોર્ટ જાહેર જનતા સમક્ષ મૂકવા જોઈએ. જે અધિકારીઓએ આવી શંકાસ્પદ મંજૂરીઓ આપી છે તેમની ભૂમિકાની પણ નિષ્પક્ષ રીતે તપાસ થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં નિર્દોષ લોકોના જીવ અને મિલકત સાથે થતા ચેડાં અટકાવી શકાય તેવી ભાંગ કચ્છના જાગૃત નાગરિકો કરી રહ્યા છે.
.......

Comments