લખપત તાલુકાના અનામત જંગલોમાં પવનચક્કીના ગેરકાયદેસર દબાણ સામે ગ્રામજનોનો આક્રોશ
બરંદા અને ચકરાઈ રાખાલમાં પરવાનગી વગર રસ્તાઓ બનાવી વિન્ડ ફાર્મ ઉભા કરાતા ડીએફઓ સમક્ષ કડક કાર્યવાહીની માંગ : ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાની ચિમકી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલા બરંદા અને ચકરાઈ સીમાળાના અનામત જંગલ વિસ્તારમાં સુઝલોન કંપની દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તાઓ બનાવી પવનચક્કીઓ ઉભી કરી દેવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. આ મામલે સાધ્રોવાઢ, બેખડા અને છેલાવાઢ ગામના જાગૃત અરજદારો દ્વારા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષકને લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. અરજદારોએ આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની મિલીભગતથી અનામત જંગલની મધ્યમાં ખાનગી કંપનીને રસ્તાઓ અને પવનચક્કીઓ સ્થાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
જંગલ વિસ્તારના નિયમો મુજબ જ્યાં સામાન્ય સંજોગોમાં ખાનગી વાહનો કે પશુઓને પ્રવેશવાની પણ મનાઈ હોય છે, ત્યાં કંપની દ્વારા ચાર પવનચક્કીઓ ઉભી કરી દેવાઈ છે અને પાંચમીનું કામ હાલ પ્રગતિમાં છે. આ પવન ચક્કી જવા માટે રસ્તા પણ ગેરકાયદેસર કાઢવામાં આવ્યો છે. જે જગલ ખાતા અને તંત્રને નજર નહી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. અરજદારોએ ડીએલઆર નકશા સાથે પુરાવા રજૂ કરતા જણાવ્યું છે કે, આ કામગીરી તદ્દન ગેરકાયદેસર છે.
વન વિભાગ દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવે અને પવનચક્કીનું કામ તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવે તેવી સ્થાનિકોની પ્રબળ માંગ છે. જો આ સંવેદનશીલ મુદ્દે વન વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નહીં આવે અથવા તપાસમાં ઢીલાશ દાખવવામાં આવશે તો અરજદારોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રીટ પિટિશન દાખલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. આ રજૂઆતમાં જત જકરિયા હાજી નૂરમામદ, જત ઈસ્માઈલ આરબ, જત આરક સાધક, જત સરકુ મુરીદ વગેરેએ સુર પુરાવ્યો હતો.
.........
વન વિભાગ અને અરજદારોના દાવા વચ્ચે સર્જાયો પેચ : સરકારી જમીન કે અનામત જંગલ ?
માલધારીઓ સામે ભૂતકાળમાં કડક કાર્યવાહી કરનાર વન વિભાગ પવનચક્કીના મામલે મૌન સેવતું હોવાનો આક્ષેપ : વન વિભાગે વિવાદિત સ્થળને સરકારી પડતર જમીન ગણાવી
ભુજ - કચ્છઉદય : સમગ્ર મામલામાં અરજદારો અને વન વિભાગના પરસ્પર વિરોધાભાસી નિવેદનથી પેજ સર્જાયો છે. આ વિવાદ અંગે અરજદાર જકરીયા જત અને ઈસ્માઈલ જતે વન વિભાગની બેવડી નીતિ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે જે જમીન પર અત્યારે પવનચક્કીઓનું કામ ચાલી રહ્યું છે, તે જ જમીન પરથી થોડા સમય અગાઉ માલધારીઓના ટ્રેક્ટર કબજે કરવામાં આવ્યા હતા અને તેને એક વર્ષ સુધી વન સંરક્ષકની કચેરીએ રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ મામલે માલધારીઓના કેટલાક યુવાનોને આઠ મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા, જેમને તાજેતરમાં જ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા છે. અરજદારો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માલધારીઓ સામે કેસ અને માલ જપ્તી જેવા કડક પગલાં લેવામાં આવતા હોય, તો પછી તે જ જમીન પર પવનચક્કીઓને મંજૂરી કયા આધારે આપવામાં આવી છે. બીજીતરફ આ મામલે દયાપર દક્ષિણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી મોરીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અરજદારોની રજૂઆત બાદ કરવામાં આવેલી સ્થળ તપાસમાં માલૂમ પડ્યું છે કે પવનચક્કી જે સ્થળે લાગી રહી છે, તે બરંદા અને ચકરાઈની વચ્ચે આવેલ અંદાજિત ૧૦૦થી ૧૫૦ મીટરનો ખાલી ભાગ છે, જે વાસ્તવમાં સરકારી પડતર જમીન છે. વન વિભાગના જણાવ્યા અનુસાર આ જમીન માટે પવનચક્કીનું કોઈ પ્રપોઝલ તેમની કચેરીને મળ્યું નથી કારણ કે, આ પ્રક્રિયા અન્ય સરકારી કચેરીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેના રિપોર્ટ ડીએલઆર દ્વારા તૈયાર કરાયા હશે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આ જમીન સરકારી પડતર હોવાથી તેમાં વન વિભાગની મંજૂરીનો પ્રશ્ન રહેતો નથી અને વિભાગની કોઈ પણ જમીન પર પવનચક્કીની મંજૂરી આપવામાં આવતી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કે કલેકટર દ્વારા જ્યારે વન વિભાગ નજીક કોઈ પણ જમીન મંજુર કરાય ત્યારે વન વિભાગની એન.ઓ. (સંમતિ પત્ર) જે - તે જમીન મેળવનારે મેળવવું પડતો હોય છે. તો શું આ પ્રકરણ વન વિભાગની એન.ઓ.સી નહિ મેળવવામાં આવી હશે..? બીજુ પવન ચક્કી લઈ જવા સહિત અનેક કામગીરી માટે રસ્તા બનાવવામાં આવતો હોય છે તે પણ મોટા ભાગે ગેરકાયદેસર રસ્તા કાઢવામાં આવી હોય તેવી ફરિયાદો અવાર - નવાર થતી હોય છે ત્યારે આ પ્રકારણમાં આખ આડા કાન તો નથી કરાયા ને તે તપાસનો વિષય છે.
.........

Comments