આદિપુરમાં ઓટીપી વગર જ બેંક ખાતામાંથી ૧.૩૦ લાખ સાફ
લખીમપુરમાં એટીએમથી નાણાં ઉપડ્યા હોવાનું સામે આવ્યું
ગાંધીધામ - કચ્છઉદય : આદિપુરમાં રહેતા હરીશભાઈ લાડકાની નામના વ્યક્તિ સાથે ઓનલાઇન છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફરિયાદી પાસે કોઈ પણ પ્રકારનો વન ટાઈમ પાસવર્ડ આવ્યો ન હતો, તેમ છતાં તેમના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ ૧,૩૦,૫૭૧ ઉપડી ગયા હતા. મળતી માહિતી મુજબ, આદિપુરના રહેવાસી હરીશભાઈના બેંક ખાતામાંથી એકાએક નાણાં ડેબિટ થવા લાગ્યા હતા. સામાન્ય રીતે ઓનલાઇન ઠગાઈમાં ઠગબાજો ઓટીપી માંગતા હોય છે, પરંતુ આ કેસમાં હરીશભાઈએ કોઈને ઓટીપી આપ્યો ન હતો કે તેમની પાસે આવો કોઈ મેસેજ પણ આવ્યો ન હતો. આમ છતાં ટુકડે-ટુકડે કુલ ૧.૩૦ લાખથી વધુની રકમ ઉપાડી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસ અને બેંક ડિટેલ્સ દ્વારા જાણવા મળ્યું છે કે, ખાતામાંથી ટ્રાન્સફર થયેલા આ નાણાં ઉત્તર પ્રદેશના લખીમપુર ખાતે આવેલા એટીએમ સેન્ટર પરથી ઉપાડી લેવામાં આવ્યા હતા. આ બાબત પરથી એવી આશંકા સેવાઈ રહી છે કે હરીશભાઈનું કાર્ડ ક્લોન થયું હોઈ શકે અથવા તો કોઈ અન્ય ટેકનિકલ માધ્યમથી તેમની બેંકિંગ વિગતો ચોરી લેવામાં આવી હતી. પોતાની સાથે થયેલી આ છેતરપિંડી અંગે હરીશભાઈએ તાત્કાલિક જાગૃતતા દાખવી છે. તેમણે ભારત સરકારની સત્તાવાર સાયબર હેલ્પલાઇન ૧૯૩૦ પર કોલ કરીને પોતાની ફરિયાદ નોંધાવી દીધી છે. ઓનલાઇન ફરિયાદ બાદ હવે સ્થાનિક પોલીસ અને સાયબર સેલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. સાયબર નિષ્ણાતોના મતે, જો તમારા ખાતામાંથી અનધિકૃત રીતે પૈસા કપાય, તો વિલંબ કર્યા વગર તુરંત જ ૧૯૩૦ પર જાણ કરવી જોઈએ અને બેંકને જાણ કરી કાર્ડ બ્લોક કરાવી દેવું જોઈએ.

Comments