આદિપુરમાં જનતા પેટ્રોલ પંપ સામે બાવળોની ઝાડીમાંથી યુવાનનો કોહવાયેલો દેહ મળ્યો
ગાંધીધામ : આદિપુરમાં જનતા પેટ્રોલ પંપની સામે આવેલી બાવળોની ઝાડીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મળી આવેલો મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં છે, જેના
પરથી પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ ઘટના સાત થી આઠ દિવસ જૂની હોઈ શકે છે. મૃતદેહ જે હાલતમાં મળી આવ્યો છે તે જોતા યુવાને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. લાંબા સમયથી મૃતદેહ ઝાડીઓમાં પડ્યો હોવાથી શરીર કાળું પડી ગયું હતું. ઘટનાની જાણ થતા આદિપુર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાન હજુ સુધી અજાણ્યો છે અને તે પરપ્રાંતીય હોવાની શક્યતા દેખાઈ રહી છે.આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા એક સપ્તાહમાં ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવી રહી છે. પોલીસે સોશિયલ મીડિયા અને અન્ય સ્ત્રોતો દ્વારા મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. યુવાને કયા સંજોગોમાં અંતિમ પગલું ભર્યું હશે અથવા તેની પાછળ અન્ય કોઈ કારણ છે, તે દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.હાલ તો આદિપુર પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
.....

Comments