વડાપ્રધાનની સોનાની ખરીદી ટાળવાની અપીલથી કચ્છના સુવર્ણ બજારમાં ફફડાટ
યુદ્ધના પગલે સુવર્ણ ધાતુના ભાવવધારા બાદ હવે ‘અપીલ’ની અસરથી ધંધો ઠપ્પ થવાની ભીતિ : લગ્નસરાની મોસમ વચ્ચે જ્વેલર્સમાં ચિંતાનું મોજું
ડોલર સામે રૂપિયો બચાવવાના દેશહિતના નિર્ણય સામે નાના વેપારીઓ અને કારીગરોની રોજીરોટી પર સંકટના વાદળો
ભુજ - કચ્છઉદય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હૂંડિયામણના ભંડારને સુરક્ષિત કરવા અને ડોલર સામે રૂપિયાના મૂલ્યને સ્થિર રાખવા માટે દેશવાસીઓને આગામી એક વર્ષ સુધી સોનાની બિનજરૂરી ખરીદી ટાળવાની જે અપીલ કરી છે, તેના ઘેરા પ્રત્યાઘાતો સરહદી કચ્છ જિલ્લાના સુવર્ણ બજારમાં જોવા મળી રહ્યા છે. કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ અને માંડવી જેવા મુખ્ય મથકોના બુલિયન અને જ્વેલરી વેપારીઓમાં આ નિવેદનને પગલે ભારે ચિંતા અને મિશ્ર પ્રતિભાવો ઉઠ્યા છે. તાજેતરમાં ઈરાક અને અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે સોના અને ચાંદીના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે બજારમાં પહેલેથી જ ગ્રાહકોની પાંખી હાજરી અને મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે વડાપ્રધાનની આ સીધી અપીલ બળતામાં ઘી હોમવાનું કામ કરશે અને જ્વેલરી ઉદ્યોગને લાંબા ગાળા સુધી ઠપ્પ કરી દેશે તેવી દહેશત વેપારી આલમ વ્યક્ત કરી રહ્યો છે.
મુંબઈના ઝવેરી બજાર સહિત ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાના પડઘા કચ્છના સોની બજારમાં પણ સ્પષ્ટ સંભળાય છે. કચ્છમાં સોનાના દાગીનાનો વેપાર માત્ર વ્યવસાય નથી પરંતુ તે હજારો કારીગરોની પરંપરાગત આજીવિકા સાથે જોડાયેલો છે. કચ્છના અગ્રણી વેપારીઓના મતે દેશહિત અને આર્થિક સુધારા માટે વડાપ્રધાનનો અભિગમ આવકાર્ય છે, પરંતુ સોનાની આયાત ઘટાડવાની આ રણનીતિની સીધી અસર નાના સ્તરના ઝવેરીઓ અને ઘરેણાં ઘડતા કારીગરો પર પડશે. લગ્નસરાની મોસમમાં જ્યારે લોકો પરંપરાગત રીતે સોનાની ખરીદી કરતા હોય છે, ત્યારે જો રોકાણકારો અને સામાન્ય જનતા ખરીદીથી વિમુખ થશે તો કચ્છના અર્થતંત્રને મોટો ફટકો પડી શકે તેમ છે.
કચ્છના અમુક વેપારીઓનું માનવું છે કે માત્ર ખરીદી બંધ કરવી એ ઉપાય નથી, પરંતુ દેશમાં જે ‘ડેડ સ્ટોરેજ’ એટલે કે વર્ષોથી વણવપરાયેલું સોનું લોકો પાસે પડ્યું છે તેને અર્થતંત્રના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે નીતિ ઘડવી જોઈએ. જો ઘરમાં રહેલા જૂના સોનાને રિસાયકલ કરી નવા આભૂષણો બનાવવાની પ્રક્રિયાને પ્રોત્સાહન મળે, તો વિદેશથી થતી આયાત આપોઆપ ઘટી શકે અને સ્થાનિક કારીગરોને કામ પણ મળતું રહે. વડાપ્રધાનની અપીલ બાદ હવે કચ્છના વેપારીઓમાં એવી ચર્ચા છે કે જો લોકો સોનામાં રોકાણ કરવાનું ટાળશે, તો વેપારીઓએ દુકાનોના ખર્ચ અને કારીગરોના વેતન કાઢવા પણ મુશ્કેલ બની જશે. વેપારીઓ ગ્રાહકોને એવી વિનંતી કરી રહ્યા છે કે રોકાણ માટેનું બિનજરૂરી સોનું ન ખરીદાય તે યોગ્ય છે, પરંતુ સામાજિક પ્રસંગો અને શુકનવંતી ખરીદી ચાલુ રાખવી જોઈએ જેથી આ ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો લોકોના ઘરનો ચૂલો સળગતો રહે.
........

Comments