નારાયણ સરોવર પાસે કરોડોની બોક્સાઈટ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપાયું અને પડી ગયો ‘પડદો’ ? ઉચ્ચ અધિકારી કરે તપાસ..!
૧૦ ગાડીઓનો બોકસાઈટ કયાં ડમ્પ થયો ? કયા વગદારનો હતો પ્લોટ?
સ્થાનિક પોલીસ સરહદી કવાયત અને સુરક્ષામાં પરોવાયેલી રહી અને ખનીજચોરોએ ૧૦ ગાડીઓ સેરવી લેવાનો અજમાવ્યો હથકંડો : જો કે પોલીસની મુખ્ય શાખાએ બાજ નજર રાખીને અટકાવ્યા પરંતુ જયા માલ ડમ્પ કરાયો તે માથાભારે-વગદાર લોકોના વચેટીયા મારફતે ફોન રણકી ઉઠતા જ બધુ સમુસુથરૂ પાર પાડી દેવાયાની ચર્ચા
ગાંધીધામ : કચ્છના સરહદી વિસ્તાર એવા નારાયણ સરોવર પાસેના પટ્ટામાં લાંબા સમયથી ચાલી રહેલી કરોડો રૂપિયાની બોક્સાઈટ ચોરીનો પર્દાફાશ કરવા ગયેલી પોલીસની મુખ્ય શાખાની કાર્યવાહીમાં મોટું વિઘ્ન આવ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સ્થાનિક સ્તરે ચાલતી મિલીભગત અને ‘વગદાર’ લોકોના દબાણને કારણે ગંભીર કૌભાંડ બહાર આવતા પહેલા જ દબાઈ ગયું હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે જાણકાર વર્ગમાં થતી ચર્ચાઓની જો વાત કરીએ તો ગત રવિવાર પૂર્વે રાત્રિના સમયે નારાયણ સરોવર પાસેના વિસ્તારમાંથી બોક્સાઈટ ભરેલી અંદાજે ૧૦ જેટલી ટ્રકો (ગાડીઓ) પસાર થઈ હતી. આ સમયે સ્થાનિક પોલીસ ‘સરહદી કવાયત’માં વ્યસ્ત હોવાથી ખનિજ ચોરોએ તેનો ગેરલાભ લીધો હોવાનુ મનાય છે. જો કે, બીજીતરફ પશ્ચીમ કચ્છ પોલીસની મુખ્ય શાખાને આ ચોરીની ગંધ આવી જતાં તેમણે તાત્કાલિક વોચ ગોઠવી હતી. જોકે, પોલીસની અન્ય એજન્સી ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ તમામ ગાડીઓને એવા વગદાર વ્યક્તિના પ્લોટમાં સુરક્ષિત રીતે ડમ્પ કરી દેવામાં આવી હતી.તપાસમાં મોટો ખુલાસો, પણ ઉપરથી ‘ફોનની ઘંટડી’ રણકી ઉઠતા જ આખોય મામલો થાડે પડી ગયો હોવાનુ ચર્ચાય છે. જાણકારો કહી રહ્યા છે કે, એજન્સીએ સ્થળ પર પહોંચી એક ડ્રાઈવરની અટકાયત કરી કડક પૂછપરછ હાથ ધરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. માલ ક્યાંથી ભરાયો હતો? કોના ઈશારે આટલા મોટા પાયે વહન થતું હતું? માલ કયા પ્લોટમાં ખાલી કરવામાં આવ્યો?આ તમામ વિગતોમાં વિસ્તારના ‘મોટા માથાઓ’ ના નામ ખુલવાની પૂરેપૂરી શક્યતા હતી. પરંતુ, જેવી તપાસની આંચ આ વગદારો સુધી પહોંચી, કે તરત જ કોઈ ‘વચેટીયો’ સક્રિય થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉચ્ચ સ્તરેથી થયેલા ફોન કોલ્સ બાદ તપાસની ગતિ મંદ પડી ગઈ હતી અને કરોડોના કૌભાંડ પર પડદો પાડી દેવાની તજવીજ હાથ ધરાઈ હતી. સ્થાનિક સ્તરે ચર્ચા છે કે જો ડ્રાઈવરની કબૂલાત મુજબ તપાસ થાય તો નારાયણ સરોવર વિસ્તારમાં ચાલતા બોક્સાઈટના કાળા કારોબારના અનેક મોટા રહસ્યો પરથી પડદો ઊંચકાઈ શકે તેમ છે. પરંતુ શું પોલીસ તંત્ર દબાણમાં આવ્યા વગર આ ખનિજ માફિયાઓ સુધી પહોંચશે? કે પછી આ કેસ પણ કાયમ માટે દબાઈ જશે?

Comments