Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં ઓવરલોડ વાહનોનો આતંક : બુરકલના ખેડૂતે ન્યાય માટે કલેક્ટરને લોહીથી પત્ર પાઠવ્યો 

12 May



હાજીપીર માર્ગ પર બેફામ દોડતા મીઠાના ટ્રકો સામે લોકરોષ ફાટી નીકળ્યો : અજેરીયા વાંઢ પાસે ગ્રામજનોએ વાહનો અટકાવ્યા


ભુજ - કચ્છઉદય : કચ્છની સરહદી ધરા પર ખેડૂત અને માલધારીઓની વેદના પરાકાષ્ઠાએ પહોંચી છે. ભુજ તાલુકાના બુરકલ ગામના જત સૈયા ઉમર નામના એક જાગૃત ખેડૂતે તંત્રની ઘોર નિદ્રા ઉડાડવા માટે પોતાની કલમથી નહીં પરંતુ હૃદયના દર્દ અને લોહીથી તરબોળ પત્ર કલેક્ટરને લખીને ન્યાયની ગુહાર લગાવી છે. હાજીપીર વિસ્તારમાંથી આવતા મીઠાના ઓવરલોડ વાહનોએ સમગ્ર પંથકની સુખ-શાંતિ છીનવી લીધી છે અને આ માર્ગ હવે સામાન્ય નાગરિકો માટે ’મોતનો રસ્તો’ બની ગયો હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. ફુલાય, છારી, પૈયા, જતાવીરા અને મોટી વિરાણી થઈને ભુજ તરફ જતો સિંગલ પટ્ટી રોડ અત્યારે યમદૂત સમાન ટ્રકોના કબજામાં હોય તેમ જણાય છે, જ્યાં રોજના અંદાજે ૨૦૦ જેટલા ઓવરલોડ ટ્રકો બેફામ ગતિએ દોડી રહ્યા છે. આ વિસ્તારની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે નાના વાહનચાલકોને સાઈડ મળવી પણ મુશ્કેલ બની ગઈ છે. ખેડૂતો પોતાના ખેતરે જતી વખતે જીવ મુઠ્ઠીમાં રાખીને નીકળે છે અને માલધારીઓ પોતાના પશુધનને બચાવવા સતત ફાળમાં રહે છે. અતિશય ભાર ધરાવતા આ વાહનોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે, જેમાં ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા ગરીબ વર્ગના લોકોએ પોતાના સ્વજન અથવા કિંમતી પશુધન ગુમાવવાનો વારો આવે છે. સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાઓ આ ઓવરલોડ વાહનોના કારણે ટૂંકા ગાળામાં જ જર્જરિત થઈ ગયા છે, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થવાની સાથે જનતાનું લોહી રેડાઈ રહ્યું છે.
આ ગંભીર મુદ્દે જત સૈયા ઉમરે નખત્રાણા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને લેખિત અરજી આપીને તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું તત્કાલ નિરાકરણ નહીં આવે તો ભવિષ્યમાં થનારા તમામ જાન-માલના નુકસાનની સંપૂર્ણ જવાબદારી શાસન અને વહીવટી તંત્રની રહેશે. આક્રોશ વ્યક્ત કરતા તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તંત્ર માટે મીઠું અગત્યનું છે કે સામાન્ય માણસનો જીવ, સરકારના જાહેરનામા મુજબ આ માર્ગ પર ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં, તંત્રની રહેમરાહે ગેરકાયદેસર રીતે વાહનો પસાર થઈ રહ્યા છે જે તપાસનો વિષય છે.
લોકરોષના પગલે અજેરીયા વાંઢ પાસે ગ્રામજનોનો સંયમ ખૂટ્યો હતો અને તેમણે એકત્ર થઈને ઓવરલોડ વાહનોને અટકાવી પાછા વાળ્યા હતા. જાણવા મળતી વિગતો મુજબ, આ વાહનો હાજીપીર હોટલથી રણના માર્ગે થઈને પ્રતિબંધિત રસ્તાઓ પર ઘૂસી રહ્યા છે. બુરકલ ગામનો આ પોકાર હવે સમગ્ર કચ્છમાં ગુંજી રહ્યો છે. ગરીબ ખેડૂતો અને માલધારીઓ હવે એક જ સવાલ પૂછી રહ્યા છે કે શું તંત્ર હજુ પણ કોઈ મોટા અકસ્માતની કે વધુ લોહી રેડાય તેની રાહ જોઈ રહ્યું છે, કે પછી આ માર્ગને ‘મોતના પંજા’માંથી મુક્ત કરાવવા કોઈ નક્કર પગલાં ભરશે.

Comments

COMMENT / REPLY FROM