પીએમની ઈંધણ બચાવવા અપીલ : કચ્છના બાબુઓ અને નેતાઓ વૈભવી ગાડીઓના અને સેન્ટલ એસીનો મોહ છોડશે?
નેતાઓ-અધિકારીઓના ઠાઠ માટે સરકારી તિજોરી પર બોજ : મોંઘા ઈંધણના ધુમાડા અને સરકારી ઓફિસોમાં સતત વધતા એસી સહિતના ઈલેકટ્રીક ઉપકરણોનો વધતો વપરાશ વચ્ચે સાદગીના પાઠ માત્ર પ્રજા જોગ? : પર્યાવરણની રક્ષાની વાતો માત્ર કાગળ પરઃ સાયકલ ટ્રેકના ઠેકાણા નથી અને સાહેબોને અલગ-અલગ ગાડીઓ વગર મોભો જળવાતો નથી!
ભુજ - કચ્છઉદય : દેશના કુલ આયાત ખર્ચમાં પેટ્રોલિયમ પેદાશોનો હિસ્સો ૩૦ ટકા જેટલો મોટો છે અને દેશની જરૂરિયાતનું ૮૫ ટકાથી વધુ ઈંધણ વિદેશોથી મંગાવવામાં આવે છે. યુદ્ધની સ્થિતિમાં વિદેશી હૂંડિયામણ બચાવવા અને ગ્રીનહાઉસ ઈફેક્ટની અસરો રોકવા માટે વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવાની અપીલ કરવામાં આવે છે. જોકે કચ્છ જેવા સરહદી અને સંવેદનશીલ જિલ્લામાં આ અપીલની અસર માત્ર સામાન્ય જનતા સુધી જ મર્યાદિત રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. કચ્છના નેતાઓ, પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પોતાના મોભાને જાળવી રાખવા માટે સરકારી ખર્ચે ઈંધણનો બેફામ ધુમાડો કરી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસે ડ્રાઈવર, વાહન મરમ્મત અને અમર્યાદિત પેટ્રોલ-ડીઝલની સુવિધા ભોગવતા નેતાઓ અને સત્તાધીશોને પર્યાવરણની રક્ષા કરતા પોતાનો હોદ્દો વધુ વહાલો લાગી રહ્યો છે.કચ્છ જિલ્લામાં જ્યારે પણ કોઈ સરકારી મીટિંગ કે કાર્યક્રમનું
આયોજન થાય છે ત્યારે મોટાભાગના અધિકારીઓ પોતાની અલગ-અલગ કાર લઈને પહોંચતા હોય છે. એક જ વિભાગના ત્રણ અધિકારીઓ એક જ સ્થળે જવા માટે ત્રણ અલગ કારનો ઉપયોગ કરે તે હવે સામાન્ય બાબત બની ગઈ છે. અગાઉ વડાપ્રધાનની અપીલને પગલે સપ્તાહમાં એક દિવસ સાયકલ ચલાવવાની કે લોકપરિવહનનો ઉપયોગ કરવાની વાતો થઈ હતી, પરંતુ કચ્છના વહીવટી તંત્રમાં આ પરંપરા શરૂ થયા પહેલા જ દમ તોડી ગઈ છે. એસટી બસોમાં વર્ષોથી ધારાસભ્યો માટે બેઠકો અનામત રાખવામાં આવે છે, પરંતુ કચ્છના ધનાઢ્ય અને વગદાર પ્રતિનિધિઓ હવે એસટી કે રેલવેમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. મોંઘીદાટ એસયુવી કારમાં ફરતા નેતાઓ માટે સામાન્ય જનતા જે મુસાફરી કરે છે તે હવે માત્ર ફોટા પડાવવા પૂરતી જ મર્યાદિત રહી ગઈ છે.
બીજી તરફ, કચ્છના ભુજ, ગાંધીધામ કે અંજાર જેવા શહેરોમાં પર્યાવરણ પ્રેમી અને હેલ્થ કોન્શિયસ લોકો સાયકલ ચલાવવા ઈચ્છે છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા ક્યાંય સલામત સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા નથી. ભારે વાહનોના આતંક અને ટ્રાફિકના અસ્તવ્યસ્ત સંચાલનને કારણે સાયકલ સવારો માટે જીવનું જોખમ રહે છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવા મહાનુભાવોએ સાદગી અને કરકસરના જે આદર્શો સ્થાપ્યા હતા તેનાથી વિપરીત અત્યારે માત્ર પ્રદર્શન અને ભપકા પાછળ લાખોનો ધુમાડો થઈ રહ્યો છે. રોડ-રસ્તા ટકાઉ બનાવવાના બદલે વારંવાર ડામરના થર ચડાવીને સરકારી નાણાંનો વ્યય કરવામાં આવે છે. જો ખરેખર ઈંધણ બચાવવું હોય અને પ્રદૂષણ ઘટાડવું હોય તો હવે જનતાને અપીલ કરવાને બદલે નેતાઓ અને અફ્સરો માટે કડક આદેશો કરવાની જરૂર છે. જ્યારે આ પદાધિકારીઓ પોતે સાદગી અપનાવીને ઉદાહરણ પૂરું પાડશે ત્યારે જ સામાન્ય જનતા પણ આ મુહિમમાં ખરા અર્થમાં જોડાશે.

Comments