Trending News
સ્થાનિક સમાચાર

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ‘આત્મનિર્ભર ગામ’ માટેના માર્ગ નકશાનું અનાવરણ

11 May



નવી દિલ્હી - કચ્છઉદય : રિલાયન્સ ફાઉન્ડેશન અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલ એક વિશેષ અભ્યાસ એ ડેકેડ ઓફ ડુઈંગ મોરઃ ઈવેલ્યુએટીંગ ડેવલપમેન્ટ ઇન્ટરવેન્શન્સ ઇન ઇન્ડિયાઝ રૂરલ ફ્રન્ટીયર્સ’ રજૂ કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં દેશના ચાર રાજ્યોના ૩,૦૦૦ ગામડાઓમાં છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન થયેલા વિકાસ કાર્યો અને તેનાથી ગ્રામીણ આજીવિકામાં આવેલા પરિવર્તનોનું ઊંડાણ પૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઓડિશાના બાલાંગીર, મધ્યપ્રદેશના માંડલા, આંધ્રપ્રદેશના અડોની અને ગુજરાતના રાધનપુર ક્લસ્ટરના ૨,૧૦૦થી વધુ પરિવારો પર આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે સમુદાયની આગેવાની હેઠળના સંકલિત વિકાસ મોડેલો ગ્રામીણ ઉત્થાન અને આત્મનિર્ભર ભારત માટે નિર્ણાયક સાબિત થયા છે.
નવી દિલ્હી ખાતે આયોજિત રાઉન્ડટેબલ બેઠકમાં નીતિ નિર્ધારકો અને નિષ્ણાતોએ ચર્ચા કરી હતી કે મજબૂત સ્થાનિક સંસ્થાઓ અને પાયાના સ્તરે લોકભાગીદારી દ્વારા ગામડાઓને ગરીબીમાંથી મુક્ત કરી સ્વાવલંબી બનાવી શકાય છે. રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતોને ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરીને શાસન વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકાય છે. આ સાથે જ કાર્યક્રમમાં મહિલાઓ અને યુવાનોની ભાગીદારી વધારવા તેમજ પર્યાવરણની સુરક્ષા સાથે ડિજિટલ ટેકનોલોજીના જવાબદાર ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે ભારતીય ગામડાઓ સજ્જ બની શકે. આ અભ્યાસ સાબિત કરે છે કે જ્યારે સમુદાયો પોતાની ક્ષમતા ઓળખી એકસાથે મળીને કાર્ય કરે છે ત્યારે આત્મનિર્ભર ગામનું સ્વપ્ન સાકાર થાય છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM