કચ્છ સહિત રાજ્યમાં વૃક્ષો કાપવા અને તેના સ્થળાંતરના નિયમોમાં મોટો ફેરફાર
રાજ્ય સરકાર દ્વારા નવી યાદી જાહેર : ખેડૂતોને પ્રોત્સાહન આપવા નિલગીરી, સુબાવળ, સરુ, લીમડો, દેશી બાવળ, આસોપાલવ સહિત ૮૬ જેટલી પ્રજાતિઓને નિયંત્રણોમાંથી મુક્તિ અપાઈ : સાગ અને ચંદન સહિતની ૨૨ પ્રજાતિઓ માટે પરવાનગી ફરજિયાત
ઇકો સેન્સીટીવ ઝોન, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, દરિયાકાંઠાના વિસ્તારો અને હાઇવેથી ૨૦૦ મીટરની અંદરના વિસ્તારોમાં વૃક્ષો કાપવા માટે વિશેષ જોગવાઈઓનું કરવું પડશે પાલન
ભુજ - કચ્છઉદય : ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઝાડ કાપવા બાબત અધિનિયમ ૧૯૫૧ હેઠળ એક મહત્વનું સુધારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ નવા નિયમો અનુસાર રાજ્યમાં ખાનગી જમીન કે કૃષિ વન નિર્માણ હેઠળ વવાતા વૃક્ષોને અલગ-અલગ ત્રણ શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર બનાવવાનો અને વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ આપવાનો છે. નવા જાહેરનામા મુજબ યાદી-ક માં સમાવિષ્ટ ૮૬ જેટલી વૃક્ષોની પ્રજાતિઓને વૃક્ષો કાપવા અને તેના સ્થળાંતર માટેની પરમીટમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. આ યાદીમાં નિલગીરી, સુબાવળ, સરુ, લીમડો, દેશી બાવળ, આસોપાલવ અને વિવિધ ફળદ્રુપ વૃક્ષો જેવા કે સીતાફળ, જામફળ અને ચીકુનો સમાવેશ થાય છે. આ પ્રજાતિના વૃક્ષો ઉછેરતા ખેડૂતો હવે કોઈપણ વહીવટી અવરોધ વિના પોતાના માલનું વહન કરી શકશે.જોકે યાદીમાં દર્શાવેલી ૨૨ જેટલી કિંમતી અને સંરક્ષિત પ્રજાતિઓ માટે નિયમો કડક રાખવામાં આવ્યા છે. સાગ, સીસમ, મહુડો, ખેર, ચંદન, વડ અને પીપળા જેવા વૃક્ષો કાપવા માટે તેમજ તેની હેરફેર કરવા માટે સક્ષમ અધિકારી અથવા ગ્રામ સમિતિની પૂર્વ પરવાનગી મેળવવી અનિવાર્ય રહેશે. ખાસ નોંધનીય બાબત એ છે કે ઇકો સેન્સીટીવ ઝોન, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, દરિયાકાંઠાના વિસ્તારો અને હાઇવેથી ૨૦૦ મીટરની અંદરના વિસ્તારોમાં વૃક્ષો કાપવા માટે વિશેષ જોગવાઈઓનું પાલન કરવું પડશે. આ જાહેરનામા દ્વારા સરકારે વન વિસ્તાર સિવાયની ખાનગી જમીનો પર વૃક્ષોના ઉછેરને વધુ સુગમ બનાવવાનો પ્રયાસ કર્યો છે જેની સીધી અસર ગ્રામીણ અર્થતંત્ર પર જોવા મળશે.

Comments