વાસ્તવિક કરદાતાઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટથી વંચિત ન રાખો
ગાંધીધામ ચેમ્બર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન સમક્ષ જીએસટી સુધારાની ઉઠાવી જોરદાર માંગ : જીએસટી કાઉન્સિલના અધ્યક્ષશ્રી તેમજ ચીફ કમિશ્રર, અમદાવાદને પણ જાણ કરાઈ
ગાંધીધામ - કચ્છઉદય : અહીના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા દેશભરના વેપાર અને ઉદ્યોગ જગતને લાંબા સમયથી અસર કરતી જીએસટી હેઠળની ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત ગંભીર સમસ્યાને લઈને કેન્દ્રીય નાણામંત્રી તથા જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ નિર્મલા સીતારામન સમક્ષ પત્ર પાઠવી વિસ્તૃત રજૂઆત કરવામાં આવેલ છે. ચેમ્બરે પોતાના પ્રતિનિધિત્વમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જીએસટી પ્રણાલીનો મૂળ હેતુ પારદર્શક, સરળ અને વિશ્વસનીય કર માળખું ઉભું કરવાનો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં પ્રામાણિક અને સંપૂર્ણ પાલન કરનારા વેપારીઓને પણ સપ્લાયર્સની ભૂલોના કારણે આઈટીસી થી વંચિત રહેવું પડી રહ્યું છે, જે વેપાર અને ઉદ્યોગ માટે અત્યંત ચિંતાજનક બાબત બની રહી છે. પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા માલ અથવા સેવાઓની ખરીદી કાયદેસર રીતે કરવામાં આવે છે, જીએસટી સહિતની ચુકવણી બેંકિંગ માધ્યમથી કરવામાં આવે છે, ટેક્સ ઇન્વોઇસ અને જરૂરી દસ્તાવેજો જાળવવામાં આવે છે તેમજ, તમામ વ્યવહારો નિયમિત રિટર્નમાં દર્શાવવામાં આવે છે, છતાં સપ્લાયર દ્વારા ટેક્સ ભરવામાં થયેલી બેદરકારી અથવા રજિસ્ટ્રેશન સંબંધિત કાર્યવાહીનો ભોગ નિર્દોષ ખરીદદારોને બનવું પડે છે. વધુમાં જણાવ્યું હતું કે, વેપારીઓ પાસે સપ્લાયર્સ અથવા તેમના આગળના વેપારી શૃંખલાના ગુપ્ત રેકોર્ડનું ઓડિટ કરવાની કોઈ કાનૂની સત્તા કે વ્યવહારિક ક્ષમતા નથી, ત્યારે આવી પરિસ્થિતિમાં વાસ્તવિક કરદાતાઓને દંડિત કરવું “ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ” ના મૂળ સિદ્ધાંતોની વિરુદ્ધ છે.માનદ મંત્રી મહેશ તીર્થાણી એ જણાવ્યું હતું કે, પાછલી અસરથી જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહીના કારણે પણ હજારો વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અનેક કિસ્સાઓમાં વ્યવહારો સમયે, સપ્લાયર દ્વારા નિયમિત રીતે જીએસટી નોંધાયેલ હોય છે અને તમામ વ્યવહારો વાસ્તવિક તેમજ દસ્તાવેજીકૃત હોવા છતાં, બાદમાં વિભાગીય કાર્યવાહીના કારણે ખરીદદારોની આઈટીસી નકારવામાં આવે છે, જે સંપૂર્ણપણે ગેરવાજબી અને વેપારવિરોધી સ્થિતિ ઊભી ડરે છે. વધુમાં જણાવ્યું હતું કે, આવી અનિશ્ચિતતા વેપાર જગતમાં કાર્યકારી મૂડી પર ગંભીર અસર કરે છે, અનાવશ્યક વિવાદો અને મુકદ્દમાઓને પ્રોત્સાહન આપે છે તેમજ જીએસટી પ્રણાલીમાંના વિશ્વાસને પણ નબળો બનાવે છે.
કારોબારી સભ્ય તથા ટીમ્બર એસોસીએશનના ઉપપ્રમુખ હેમચંદ્ર યાદવે જણાવ્યું હતું કે, જીએસટી હેઠળ ઇનપુટ ટેક્સ ક્રેડિટ સંબંધિત હાલની જોગવાઈઓને કારણે પ્રામાણિક અને નિયમિત પાલન કરનારા વેપારીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના પરિપ્રેક્ષ્યમાં તેમણે ગાંધીધામ ચેમ્બર સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી. તેમણે ખાસ નોંધ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટના “મારૂતિ એન્ટરપ્રાઈસ ૪૫. યુનિયન ઓફ ઇન્ડીયા અને અન્યો” ના મામલામાં આવેલ તાજેતરના ચુકાદાએ પણ વાસ્તવિક કરદાતાઓને પડતી મુશ્કેલીઓ તથા વધુ વ્યવહારુ અને ટેક્નોલોજી આધારિત પાલન પ્રણાલીની જરૂરિયાતને ઉજાગર કરી છે. વધુમાં કહ્યું કે, જ્યાં માલ અથવા સેવાઓની વાસ્તવિક પ્રાપ્તી થઈ હોય, બેંકિંગ ચેનલ દ્વારા ચુકવણી કરવામાં આવી હોય, માન્ય ટેક્સ ઇન્વોઇસ ઉપલબ્ધ હોય તથા વ્યવહારો નિયમિત રિટર્નમાં દર્શાવવામાં આવ્યા હોય, ત્યાં પ્રામાણિક પ્રાપ્તકર્તાઓના આઈટીસી હકોને સુરક્ષિત રાખવા કાનૂની રક્ષણ આપવામાં આવવું જોઈએ. વધુમાં સૂચવ્યું હતું કે, સપ્લાયર સ્તરના વિવાદો, પાછળથી થતી રજિસ્ટ્રેશન રદ કરવાની કાર્યવાહી અથવા ક્રેડિટ ચેઇનમાં રહેલી ગેરરીતિઓના આધારે નિર્દોષ વેપારીઓને આઈટીસીથી વંચિત ન રાખવા માટે સ્પષ્ટ નીતિગત માળખું ઘડવું સમયની માંગ બની ગયું છે. સાથે જ જીએસટી પોર્ટલ પ૨ સિસ્ટમ જનરેટેડ કન્ફર્મેશન આધારિત મજબૂત ટેક્નોલોજી આધારિત વેલિડેશન મિકેનિઝમ વિકસાવવો તથા સીજીએસટી એક્ટની કલમ-૧૬માં જરૂરી સુધારા કરી પ્રામાણિક કરદાતાઓના મૂળભૂત ક્રેડિટ અધિકારોને તૃતીય પક્ષની ખામીઓના કારણે અસર ન થાય તે માટે સરકાર અને જીએસટી કાઉન્સિલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવો જોઈએ તેવી માંગ પણ તેમણે વ્યક્ત કરી હતી.ચેમ્બરે આશા વ્યક્ત કરી હતી કે, કેન્દ્રીય નાણાં મંત્રાલય તથા જીએસટી કાઉન્સિલ વેપાર અને ઉદ્યોગની વ્યાપક અને વાસ્તવિક ચિંતાને ગંભીરતાથી સમજી સમયસર હસ્તક્ષેપ કરાશે, જેથી જીએસટી પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેમજ દેશના વેપાર અને ઉદ્યોગને વધુ પારદર્શક, સ્થિર અને વ્યવસાયમૈત્રીપૂર્ણ વાતાવરણ પ્રાપ્ત થશે. ચેમ્બર દ્વારા આ મહત્વપૂર્ણ રજૂઆતની નકલ ચીફ કમિશ્રર, જીએસટી અમદાવાદને પણ પાઠવી સમગ્ર મુદ્દાની ગંભીરતા તરફ ધ્યાન દોરી વાસ્તવિક અને પાલન કરનારા કરદાતાઓના હિતોને સુરક્ષિત રાખવા માટે યોગ્ય નીતિગત હસ્તક્ષેપ કરવા જણાવ્યું છે.

Comments