કચ્છમાં તળિયાઝાટક બનતા ડેમો વચ્ચે જળસંકટના ઘેરા એંધાણ
આકાશમાંથી વરસતી અગનજ્વાળા વચ્ચે
ચોમાસાના આગમન પૂર્વે જ સરહદી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ચિંતાજનક સ્તરે ઘટ્યો : ભુજ અને મુંદરા પંથકમાં સ્થિતિ વધુ નાજુક : મધ્યમ સિંચાઈ યોજનાના ડેમો પર આશ્રિત અનેક ગામો અને પશુપાલકો માટે ઉનાળાના અંતિમ દિવસો બને કસોટી ભર્યા : વરસાદ ખેંચાશે તો જળસંકટ બને વધુ ઘેરૂ : ઉનાળાના અંતિમ દિવસોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાનો આયોજન બદ્ધ વિતરણ જરૂરી
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં હાલ ઉનાળો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. સૂર્યનારાયણના પ્રકોપ વચ્ચે સમગ્ર સરહદી જિલ્લો જાણે ભઠ્ઠીમાં શેકાઈ રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પારો સતત ૪૦ ડિગ્રીની ઉપર રહેતા જનજીવન તોબા પોકારી ઉઠ્યું છે. એકતરફ આકરી ગરમીને કારણે પાણીનો વપરાશ વધ્યો છે અને બીજી તરફ તીવ્ર તાપને લીધે જળાશયોમાં બાષ્પીભવનની પ્રક્રિયા પણ તેજ બની છે. આ પરિસ્થિતિમાં સૌથી ચિંતાજનક બાબત એ છે કે જિલ્લાની જીવાદોરી સમાન મધ્યમ સિંચાઈ યોજનાના ડેમોમાં પાણીનો સંગ્રહ હવે મર્યાદિત રહ્યો છે. વિધિવત ચોમાસું શરૂ થવામાં હજુ પણ પખવાડિયાથી વધુનો સમય બાકી છે, ત્યારે ઘટતા જતા જળસ્તરે વહીવટી તંત્ર અને નાગરિકો બંનેની ચિંતામાં વધારો કર્યો છે.
જિલ્લાના વિવિધ તાલુકાઓના ડેમોના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો, ભુજ તાલુકાની સ્થિતિ સૌથી વધુ ગંભીર જણાય છે. ભુજ પંથકનો ’કાયલા’ ડેમ અત્યારે સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે, જેમાં પાણીનો જથ્થો શૂન્ય ટકા પર પહોંચી ગયો છે. તેવી જ રીતે, જિલ્લાના સૌથી મોટા ડેમોમાં જેની ગણના થાય છે તેવો ’રુદ્રમાતા’ ડેમ અત્યારે માત્ર ૩.૩૯ ટકા પાણી સાથે મૃતપ્રાય અવસ્થામાં છે. આ ડેમ પર આશ્રિત અનેક ગામો અને પશુપાલકો માટે હવે આગામી દિવસો કસોટીભર્યા બની રહેશે. મુંદરા તાલુકાના ગજોડ ડેમમાં પણ માત્ર ૪.૪૧ ટકા જેટલો જ અલ્પ જથ્થો બચ્યો છે, જે સૂચવે છે કે જો વરસાદ ખેંચાશે તો આ વિસ્તારોમાં જળસંકટ ઘેરું બનશે.નખત્રાણા તાલુકામાં પણ મથલ અને નિરોણા જેવા ડેમોમાં પાણીનો જથ્થો ૧૦ ટકાથી પણ નીચે ઉતરી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે અંજારનો ટપ્પર ડેમ ૮૮.૪૬ ટકા અને મુંદરાનો કારાઘોઘા ડેમ ૮૬.૩૫ ટકા પાણી સાથે હજુ પણ સદ્ધર છે, જે પંથક માટે આશાનું કિરણ છે. અબડાસા અને લખપત જેવા અંતરિયાળ વિસ્તારોમાં મધ્યમ સિંચાઈ યોજનાઓમાં ૫૦ થી ૬૦ ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ હોવાથી ત્યાં હાલ પૂરતી રાહત છે.
પરંતુ, ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર કચ્છના અર્થતંત્ર માટે ડેમોનું ખાલી થવું એ ભયજનક નિશાની છે. ઉનાળાના આ અંતિમ તબક્કે પાણીના બાકી બચેલા જથ્થાનું આયોજનબદ્ધ વિતરણ કરવું અનિવાર્ય બન્યું છે. વરુણદેવ ક્યારે મહેરબાન થાય છે અને ડેમોમાં નવા નીર ક્યારે આવે છે તેની ચાતક નજરે રાહ જોવાઈ રહી છે. અત્યારની સ્થિતિ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે, જો આગામી દિવસોમાં મેઘરાજાની એન્ટ્રીમાં વિલંબ થશે, તો કચ્છના અનેક ગામડાઓમાં પીવાના પાણી માટે ટેન્કરો દોડાવવાની નોબત આવી શકે છે.

Comments