ચોપડવા પાસે પ્લાયની ફેકટરીમાં ભીષણ આગ
ભચાઉ ફાયર વિભાગ સહિત સ્થાનિક કંપનીઓના ફાયર ફાઈટર દ્વારા ૧૦ કલાકથી જહેમત છતા હજુ કાબુ આવ્યો નથી
ભુજ - કચ્છ ઉદય : ભચાઉ તાલુકાના ચોપડવા પાસે આવેલી પ્લાયની ફેકટરીમાં આજે સવારે આગ લાગી હતી. જાણકારોના કહેવા પ્રમાણે સવારે સાડા ત્રણ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. અહીં આવેલી રઘુનંદન નામની પ્લાયની ફેકટરીમાં આગ લાગી હતી. પ્લાયના કારણે જોત જોતામાં આગ પ્રસરી ગઈ હતી.
ભચાઉ નગરપાલિકાની ફાયરની ગાડી ઉપરાંત આરતી કંપની સહિતના ફાયર ફાઈટરો બોલાવી લેવામાં આવ્યા હતા. આ લખાય છે ત્યારે ૧૦ કલાક થયા છતા હજુ સુધી આગ બુઝાઈ નથી. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. જોકે, સંપૂર્ણ આગ બુઝાયા બાદ કયા કારણોસર આગ લાગી ? કેટલું નુકસાન થયું ? તે જાણવા મળશે. હાલમાં ફાયર વિભાગ વ્યાયામ કરી રહ્યો છે.
..............
ચોપડવા પાસેની પ્લાયવુડ ફેક્ટરીમાં વારંવાર
લાગતી આગ પાછળ કોની બેદરકારી?
તંત્ર દ્વારા ઊંડી તપાસની માંગઃ દર વર્ષે સર્જાતી ભયાવહ આગની ઘટનાઓ શંકાના દાયરામાં
પાછલા અમુક વરસોમાં અહી જો આગની પુનરાવર્તિત ઘટનાઓ બની હોય તો થવી જોઈએ ઉંડી તપાસ
ગાંધીધામ :
ચોપડવા નજીક આવેલી એક વિશાળ પ્લાયવુડ ફેક્ટરી ફરી એકવાર આગની
લપેટમાં આવતા અનેક સવાલો ઊભા થયા છે. આ ફેક્ટરીમાં દર વર્ષે ચોક્કસ અંતરાલે લાગતી આગ હવે માત્ર અકસ્માત નહીં, પરંતુ એક સુનિયોજિત ’રહસ્ય’ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિકો અને જાણકારોમાં એવી પ્રબળ શંકા સેવાઈ રહી છે કે, શું આ આગ લાગવાની સતત ઘટનાઓમાં કોઈની બેદરકારી કારણભુત છે? જો એમ હોય તો કોની બેદરકારી કારણભુત રહેલી છે? તે તપાસ કરવી જોઈએ. સામાન્ય રીતે કોઈ મોટી કંપનીમાં એકાદ વાર આગ લાગે ત્યારે માલિકો અને સંચાલકો ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે અગમચેતીના ભાગરૂપે ફાયર સેફ્ટીની સજ્જ વ્યવસ્થાઓ કરતા હોય છે. પરંતુ આ પ્લાયવુડ ફેક્ટરીનો ઇતિહાસ ચકાસતા ચર્ચાય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી અહીં દર વર્ષે ભયાવહ આગ લાગે છે.શું સેફ્ટી સિસ્ટમનો અભાવ છે? જો દર વર્ષે આગ લાગતી હોય તો સંચાલકોએ સુરક્ષાના સાધનો તો ચોકકસથી વસાવી જ લીધા હોય..!?દર વર્ષે સર્જાતી આ ભયાનક ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન જ નહીં,
પરંતુ પર્યાવરણ અને આસપાસના રહેણાંક વિસ્તારો માટે પણ જોખમ ઊભું કરે છે. જો ફેક્ટરીના ઇતિહાસમાં સતત આગના બનાવો નોંધાયેલા હોય, તો કોની બેદરકારી કારણભુત છે? તે ઉંડી તપાસ કરવી ઘટે. સ્થાનિકોની માંગ છે કે, છેલ્લા
૫ વર્ષમાં લાગેલી તમામ આગની ઘટનાઓની જીૈં્
(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) દ્વારા તપાસ થાય. જો બેદરકારી કે
ઇરાદાપૂર્વકનું કૃત્ય જણાય તો બેદરકારી દાખવનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આગનું આ ’રહસ્ય’ ઉકેલવું હવે વહીવટી તંત્ર અને ફાયર વિભાગ માટે અનિવાર્ય
બન્યું છે.
..................
કચ્છમાં સૌથી વધુ આગના બનાવો ભચાઉમાં જ નોંધાય છે !
ભુજ : કચ્છમાં ઔદ્યોગિક વિકાસના કારણે ઘણી કંપનીઓ આવેલી છે પરંતુ અવાર-નવાર ભચાઉમાં જ આગના બનાવો સામે આવે છે. હાઈવે રોડ પર ટેન્કર હોય કે પછી કંપની અવાર - નવાર ભચાઉમાં જ આગ લાગે છે અને તે પણ માર્ચ મહિનાની આગળના મહિના કે પાછળના મહિનામાં લાગે છે. અવાર - નવાર લાગતી આગને લઈને તર્કવિતર્ક સર્જાયા છે.
...............
ચોપડવાની રઘુનંદન ફેકટરીમાં ફરી આગના બનાવથી ચર્ચાઓ તેજ
ભુજ : ભચાઉના સ્થાનિક જાણકારોના કહેવા પ્રમાણે અવાર - નવાર ચોપડવા વિસ્તારમાં આગ લાગે છે અને આજે જ્યાં આગ લાગી તે ચોપડવાની રઘુનંદન નામની ફેકટરીમાં અગાઉ પણ આગ લાગી ચૂકી છે. અવાર - નવાર અહીં આગ કેમ લાગે છે તેવો સવાલ ઉઠાવાયો છે. પ્લાયની ફેકટરી હોય તો ફાયરની સુરક્ષા જાળવવી પડે. પૂર્વ કચ્છમાં પ્લાયની ઘણી બધી ફેકટરીઓ છે પરંતુ અવાર - નવાર ચોપડવાની ફેકટરીઓમાં જ કેમ આગ લાગે છે ? તેવો સવાલ ઉઠી રહ્યો છે.

Comments