કચ્છની ખાનગી શાળાઓની મનમાની પર શિક્ષણ તંત્રની લગામ જરૂરી
શું અમદાવાદના ડીઈઓની પહેલમાંથી કચ્છનું તંત્ર લેશે ધડો ?
અમદાવાદની જેમ કચ્છમાં પણ આરટીઈ હેઠળ લૂંટ ચલાવતી શાળાઓ પર તંત્ર ત્રાટકે તેવી પ્રબળ માંગ : નિયમ વિરુદ્ધ એક્ટિવિટી ફી અને ચોક્કસ દુકાનેથી જ પુસ્તકો-યુનિફોર્મ ખરીદવાના દબાણ સામે વાલીઓમાં ભારે રોષ : શિક્ષણ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી અપેક્ષા
ભુજ - કચ્છઉદય : અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણ અધિકારીએ તાજેતરમાં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદે ફી ઉઘરાવતી શાળાઓ સામે લાલ આંખ કરીને કડક આદેશો જારી કર્યા છે, ત્યારે હવે કચ્છ જિલ્લાના જાગૃત નાગરિકો અને વાલીઓમાં પણ આવી જ માગણી ઉઠવા પામી છે. કચ્છમાં પણ અનેક ખાનગી શાળાઓ આરટીઈના બાળકો પાસેથી સ્માર્ટ ક્લાસ, વાર્ષિક પ્રોગ્રામ અને એક્ટિવિટી ફીના નામે ઉઘરાણી કરતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અમદાવાદના શિક્ષણ તંત્રએ જે રીતે સ્વનિર્ભર શાળાઓને ચેતવણી આપી છે, તેવો જ ધડો લઈને કચ્છનું શિક્ષણ તંત્ર પણ સક્રિય બને અને ગરીબ વાલીઓને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ પ્રબળ બની છે.
કચ્છ જિલ્લામાં જૂન મહિનાથી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર પૂર્વે ઘણી શાળાઓ દ્વારા વાલીઓ પર ચોક્કસ દુકાનેથી જ મોંઘા ભાવના યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. નિયમ મુજબ શાળાઓ કોઈ ચોક્કસ વિક્રેતા પાસેથી ખરીદી કરવા વાલીઓને ફરજ પાડી શકે નહીં, તેમ છતાં કચ્છમાં આવી પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. ખાનગી પ્રકાશનોના મોંઘા પુસ્તકો પધરાવીને કમિશનનું નેટવર્ક ચલાવતી શાળાઓ સામે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલા આદેશો બાદ હવે કચ્છના શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતા સામે પણ સવાલો ઉભા થયા છે. વાલીઓનું કહેવું છે કે જો અમદાવાદમાં વાલીઓના હિતમાં નિર્ણય લેવાતા હોય તો કચ્છમાં શા માટે આડકતરી લૂંટ ચલાવતી શાળાઓને છૂટો દોર આપવામાં આવે છે.
આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ લેતા બાળકો આર્થિક રીતે નબળા વર્ગના હોય છે, જેમના માટે શિક્ષણ મફત હોવા છતાં વિવિધ ચાર્જના નામે તેમને હેરાન કરવામાં આવે છે. કચ્છના જાગૃત નાગરિકો દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ દ્વારા તાત્કાલિક અસરથી તમામ શાળાઓને પરિપત્ર પાઠવીને ગેરકાયદે ફી લેતી અને યુનિફોર્મ-પુસ્તકો માટે દબાણ કરતી સંસ્થાઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની જાહેરાત કરવામાં આવે. જો શિક્ષણ વિભાગ આ બાબતે કડક વલણ અપનાવશે તો જ સામાન્ય વાલીઓને રાહત મળશે અને શિક્ષણના નામે ચાલતી આવી વેપારી પ્રવૃત્તિઓ પર લગામ લાગશે. હવે જોવાનું એ રહે છે કે અમદાવાદના આદેશો બાદ કચ્છનું શિક્ષણ તંત્ર ક્યારે જાગે છે અને વાલીઓના હિતમાં કેવા નિર્ણયો લે છે.
.....

Comments